મુખ્ય સમાચાર
News of Thursday, 4th March 2021

પાકિસ્તાનની સીંધ વિધાનસભામાં બઘડાટી

મહિલા સભ્યો જીવ બચાવીને ભાગી : ઇમરાન ખાનની તેહરીકે ઇન્સાફ પાર્ટીના નેતાઓ વચ્ચે અંદરોઅંદર યાદવાસ્થળી

નવી દિલ્હી,તા. ૪: પાડોશી દેશ પાકિસ્તાનના સિંધના ઇમરાન ખાનના પક્ષના નેતાઓ વચ્ચે અંદરો અંદર મારામારી થઇ ગઇ હતી. સિંધ પ્રાંતની વિધાનસભામાં ચાલુ સત્ર દરમ્યાન તહરીફએ ઇન્સાફ પાર્ટીના નેતાઓ વચ્ચે જોરદાવર મારામારી થતા વાતાવરણ એટલુ ભયંકર બની ગયું કે મહિલા નેતાઓએ ત્યાંથી ભાગવુ પડ્યુ હતું. હવે સિંઘ વિધાનસભામાં થયેલ આ માથાકૂટનો વીડીયો સોશ્યલ મીડીયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

સિંધ વિધાનસભામાં સેનેટ ચૂંટણી માટેનું મતદાન થવાનું હતુ પણ ઇમરાન ખાનની તહેરીકએ ઇન્સાફ પાર્ટીના ત્રણ સભ્યોએ જાહેર કર્યું કે તેઓ પોતાની મરજી મુજબ મતદાન કરશે એટલે કે તેમણે પક્ષના આદેશ વિરૂધ્ધ મત આપવાની વાત કરી હતી. એટલે પછી પક્ષના બાકીના સભ્યો રોષે ભરાયા હતા અને વિધાનસભાની અંદર જ વાદ વિવાદ શરૂ થઇ ગયો. આ ચર્ચા એટલી ઉગ્ર બની ગઇ કે વાત મુક્કા -લાત સુધી પહોંચી ગઇ. આ અંગેનો એક બીજો વીડીયો પણ વાયરલ થઇ રહ્યો છે જેમાં સદનમાં થયેલી મારામારી વચ્ચે પાકિસ્તાનની મહિલા ધારાસભ્ય ભાગતી જોવા મળી રહી છે. પીપીપીની નેતા શર્મિલા ફારૂકીનો વીડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થઇ રહ્યો છે.

(4:09 pm IST)