મુખ્ય સમાચાર
News of Thursday, 4th March 2021

વિધાનસભા ચૂંટણી ૨૦૨૧

ભાજપા કેન્દ્રિય ચૂંટણી સમિતીની આજે મીટીંગ

ઉમેદવારોની પહેલી યાદી અંગે થશે વિચારણા

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજયોમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે મીટીંગ થવાની છે. આ મીટીંગમાં ઉમેદવારોની પહેલી યાદી અંગે વિચારણા થશે. વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપા પ્રમુખ નડ્ડા અને પક્ષના અન્ય સીનીયર નેતાઓ આજે અહીં પક્ષના મુખ્યાલયમાં થનારી મીટીંગમાં સામેલ થશે. બંગાળ ભાજપા પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષ અને પશ્ચિમ બંગાળ માટે પક્ષના નિરીક્ષક કૈલાશ વિજયવર્ગીય મીટીંગમાં ભાગ લેવા બુધવારે દિલ્હી પહોંચી ગયા છે.

પશ્ચિમ બંગાળના ભાજપા પ્રમુખ દિલીપ ઘોષ અનુસાર પક્ષના રાજય એકમે બંગાળમાં વિધાનસભાની ચુંટણી માટે પ્રાથમિક બે તબક્કામાં દરેક બેઠક પર સરેરાશ ચારથી પાંચ નામો તારવ્યા છે. તેમાંથી ફાઇનલ નામ પર આજે નિર્ણય લેવાશે. ૬૦ બેઠકો પર ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવશે. બંગાળમાં પહેલા તબક્કાનું મતદાન થવાનું છે. બંને તબક્કામાં ૩૦-૩૦ બેઠકો પર ચુંટણી થશે. બંગાળમાં ૨૭ માર્ચથી ૨૯ એપ્રિલે વચ્ચે આઠ તબક્કામાં ચૂંટણી થશે. તો આસામમાં ૨૭ માર્ચથી છ એપ્રિલ વચ્ચે ત્રણ તબક્કામાં મતદાન થશે. પોંડીચેરી, કેરળ પાંચે રાજયોના પરિણામો બીજી મે એ જાહેર થશે.

(2:43 pm IST)