મુખ્ય સમાચાર
News of Thursday, 4th March 2021

સૌરવ ગાંગુલીના ભાજપમાં જોડાવાની અટકળો તેજ બની

સોશિયલ મીડિયામાં પૂર્વ સુકાનીને લઈને ચર્ચા : સાત માર્ચે યોજાનારી નરેન્દ્ર મોદીની રેલીમાં ગાંગુલી ભાગ લેશે અને આ દરમિયાન ભાજપમાં જોડાઈ શકે છે

નવી દિલ્હી, તા. ૩ : પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે ચાલી રહેલા પ્રચાર વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ બની રહી છે.

એવુ કહેવાઈ રહ્યુ છે કે, સાત માર્ચે યોજાનારી પીએમ મોદીની રેલીમાં ગાંગુલી ભાગ લેશે અને આ દરમિયાન તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. જોકે આ અટકળોને હજી સુધી ગાંગુલી કે ભાજપે સમર્થન આપ્યુ નથી. ભાજપે જોકે કહ્યુ હતુ કે, ગાંગુલીને ભાજપમાં જોડાવુ છે કે નહીં તે જાતે નક્કી કરવાનુ છે. ગાંગુલી રેલીમાં હાજર રહેવા માંગતા હોય તો તેમનુ સ્વાગત છે.

ઉલ્લેખનીય છેકે ગાંગુલીને તાજેતરમાં હાર્ટ એટેક આવ્યા બાદ તેમના પર બે એન્જિઓપ્લાસ્ટી કરવામાં આવી છે. સર્જરી દરમિયાન તેમને વધુ બે સ્ટેન્ટ લગાવાયા હતા.

ભાજપનુ કહેવુ છે કે, અમે જાણીએ છે કે, સૌરવ ગાંગુલી ઘરે આરામ કરી રહ્યા છે અને જો તેઓતેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પણ રેલીમાં હાજર રહે છે તે તો અમને લાગે છે કે લોકો તેમને પસંદ કરશે, પણ હજી કશું નક્કી નથી.

(12:00 am IST)