મુખ્ય સમાચાર
News of Thursday, 4th March 2021

થરૂરે મિમ શેર કરી ઘટી રહેલા જીડીપીને લઈને કટાક્ષ કર્યો

પ રાજ્યોની ચૂંટણીને લઈ પક્ષોમાં આરપારની લડાઈ : શેર કરેલા મિમમાં ગ્રાફમાં ઘટી રહેલા જીડીપીના આંક દર્શાવાયા છે, બીજી તસવીર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છે

નવી દિલ્હી, તા. ૩ : કોરોના સંકટ વચ્ચે ૫ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય દળોમાં આર-પારની લડાઈ જામી છે. આ બધા વચ્ચે કોંગ્રેસ પાર્ટી મોદી સરકારને અર્થતંત્ર મુદ્દે પણ ઘેરી રહી છે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે તાજેતરમાં એક મિમ શેર કર્યું હતું જેમાં તેમણે ઘટી રહેલા જીડીપીને લઈ કટાક્ષ કર્યો હતો.

શશિ થરૂરે શેર કરેલા મિમમાં એક ગ્રાફમાં ઘટી રહેલા જીડીપીના આંકડા દર્શાવવામાં આવ્યા છે. જ્યારે બીજી તસવીર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છે. મિમમાં બતાવવામાં આવ્યું છે કે, જેમ જેમ જીડીપી ઘટી રહ્યો છે તેમ તેમ વડાપ્રધાનની દાઢીની લંબાઈ વધી રહી છે.

કોંગ્રેસી સાંસદ શશિ થરૂરે આ મિમ શેર કરીને 'આને કહેવાય ગ્રાફિક ઈલેસ્ટ્રેશનની અગત્યતા' એવું કેપ્શન આપ્યું હતું. શશિ થરૂરે જીડીપીનો જે ગ્રાફ શેર કર્યો છે તેમાં વર્ષ ૨૦૧૭થી ૨૦૧૯ સુધીના જીડીપીના આંકડા દર્શાવવામાં આવ્યા છે. કોરોના કાળ પહેલાથી જ જીડીપી સતત ઘટી રહ્યો હતો જે આ ગ્રાફમાં દર્શાવવામાં આવ્યું છે.

કોરોના કાળ દરમિયાન તો જીડીપી સતત ૨ વખત માઈનસમાં જતો રહ્યો હતો પરંતુ હવે તાજેતરના અહેવાલ પ્રમાણે જીડીપી હવે ફરી પ્લસમાં આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે, કોરોના સંકટ કાળ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની દાઢી વધારી રહ્યા છે જે સતત ચર્ચામાં રહ્યું છે. બંગાળ ચૂંટણી દરમિયાન ટીએમસીએ એવો આરોપ લગાવ્યો હતો કે, પીએમ મોદી પોતાને રવિન્દ્રનાથ ટેગોર જેવો લુક આપવા માંગે છે માટે દાઢી વધારી રહ્યા છે.

(12:00 am IST)