મુખ્ય સમાચાર
News of Thursday, 4th March 2021

નાલંદા મેડિકલ કોલેજના છાત્રનું વેક્સિન લેવા છતાં કોરોનાથી મોત

કોરોનાની રસીને લઈને પણ ચિંતા ઊભી કરતી ઘટના : શુભેન્દુ સુમને ૨૨ દિવસ અગાઉ કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો, વિદ્યાર્થીઓના રિપોર્ટ કરાવાઈ રહ્યા છે

પટના, તા. ૩ : કોરોના વેક્સિન લીધા બાદ કોરોનાના કારણે મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. નાલંદા મેડિકલ કોલેજના ફાઇનલ ઇયરમાં અભ્યાસ કરતાં એક સ્ટૂડન્ટનું કોવિડ વેક્સિન લીધી હોવા છતાં કોરોનાને કારણે મોત નિપજ્યું છે. શુભેન્દુ સુમને ૨૨ દિવસ અગાઉ કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. હવે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના રિપોર્ટ કરાવવામાં આવી રહ્યાં છે.

શુભેન્દુ સુમને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં વેક્સિન લીધી હતી. જે બાદ ૨૫મી ફેબ્રુઆરીએ તે કોરોના પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તે પોતાના ઘરે બેગુસરાય જતો રહ્યો, જ્યાં ૨૭મી ફેબ્રુઆરીએ તેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ સોમવારે સાંજે તેનું મોત નિપજ્યું હતું. આ હોસ્પિટલમાં અત્યાર સુધી ૧૫ વિદ્યાર્થી પોઝિટિવ આવી ચૂક્યાં છે અને આમાંથી ઘણા વિદ્યાર્થીઓએ કેટલાક અઠવાડિયા પહેલાં જ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, દેશમાં ૧૬મી જાન્યુઆરીથી કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. પ્રથમ તબક્કે સ્વાસ્થ્ય કર્મચારી અને ફ્રન્ટલાઇન વર્કર્સને રસી આપવામાં આવી હતી. ૧ માર્ચથી વેક્સિનેશનના બીજા તબક્કાની શરૂઆત થઇ. જેમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકો અને ગંભીર બીમારીઓનો સામનો કરી રહેલાં ૪૫ વર્ષથી ઉપરની વયના લોકોને રસી આપવામાં આવશે.

(12:00 am IST)