મુખ્ય સમાચાર
News of Thursday, 4th February 2021

દિલ્હી પોલીસની FIR બાદ ગ્રેટાએ ફરી ટ્વીટ કરીને કહ્યું- હું ખેડૂતોના શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન સાથે છું

ગ્રેટા થનબર્ગના ભડકાઉ ટ્વીટને લઇ દિલ્હી પોલીસે તેમના વિરુદ્ધ કેસ દાખલ કર્યો

અમદાવાદ : નવા કૃષિ કાયદાના વિરોધમાં દેશની રાજધાની દિલ્હીમાં અંદાજે અઢી મહિનાથી ખેડૂત આંદોલન જારી છે. આ આંદોલનને લઇ કેટલીક વિદેશી હસ્તિઓએ પણ ટિપ્પણી કરી છે. આ વચ્ચે સ્વીડનની રહેવાસી પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગના ભડકાઉ ટ્વીટને લઇ દિલ્હી પોલીસે તેમના વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

 FIR દાખલ થયા પછી ત્યારબાદ પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે ટ્વીટ કરીને જણાવ્યું કે તે ખેડૂતો સાથે ઉભી છે. તેણે ટ્વીટ કરીને જણાવ્યું કે હું ખેડૂતોના શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન સાથે છું. કોઇ પણ નફરત, ધમકી તેને બદલી નહીં શકે. દિલ્હી પોલીસે ગ્રેટા વિરુદ્ધ 153 A, 120 B હેઠળ FIR દાખલ કરી છે. આ અંગે દિલ્હી પોલીસ પ્રેસ કોન્ફ્રન્સ પણ કરી શકે છે

ગ્રેટા થનબર્ગે ખેડૂતોના સમર્થનમાં પોતાના ટ્વીટમાં સત્તાધારી પાર્ટી પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. ગ્રેટાએ ટ્વીટ કરીને જણાવ્યું હતુ કે ભારત સરકાર પર દબાણ કેવી રીતે લાવી શકાય છે, આ માટે તેણે પોતાના એક્શન પ્લાન સંબંધિત દસ્તાવેજ પણ શેર કર્યા, જે ભારત વિરોધી પ્રચાર અભિયાનનો એક ભાગ છે. તેની સખત નિંદા કરવામાં આવી હતી.

ખેડૂતોના મામલે વિદેશી હસ્તિઓના દખલ પર વિદેશ મંત્રાલય દ્વારા બુધવારે એક નિવેદન જારી કરવામાં આવ્યું હતુ. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે એ જોઇને ખૂબ જ દુ:ખ થયું કે કેટલાક સંગઠન અને લોકો પોતાના એજન્ડા થોપવા માટે આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે. કોઇ પણ પ્રકારની પ્રતિક્રિયા આપતા પહેલા તથ્યો અને પરિસ્થિતિઓની તપાસ કરવી જરૂરી છે. આ પ્રકારની સ્થિતિમાં કોઇ પણ સેલિબ્રિટી દ્વારા સંવેદનશીલ ટ્વીટ કરવી અને હેશટેગ ચલાવવું જવાબદારીભર્યું પગલુ નથી

અત્રે ઉલ્લેખનીય છે કે વિદેશી હસ્તીઓના ટ્વીટ પછી ભારતની હસ્તીઓએ તેમને વળતો ઉત્તર આપ્યો હતો. પોપ સિંગર રિહાના, એન્વાર્મેન્ટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ, પૂર્વ પોર્ન સ્ટાર મિયા ખલીફા સહિતની કેટલીક હસ્તીઓએ ખેડૂતોના આંદોલનને ટેકો આપ્યો હતો. જ્યારે અક્ષય કુમાર, કરણ જોહર, સુનિલ શેટ્ટી, અજય દેવગણ, સચિન તેંડુલકર, વિરાટ કોહલી જેવી ભારતીય હસ્તીઓએ તેમને આ મમાલે હાથ નહીં દઝાડવાની શીખામણ આપી રહી છે

(6:32 pm IST)