મુખ્ય સમાચાર
News of Monday, 4th February 2019

અકિલા ઇન્ડિયા ઈવેન્ટ્સ પ્રસ્તુત 'કોકટેલ દેશી'ના કસુંબલ કેફમાં સાહિત્ય - સંગીતપ્રેમીઓ ઝૂમી ઉઠ્યા : 'ગુજરાત્રી' રહી બ્લોકબસ્ટર

માતૃભાષાનાં પ્રચાર-પ્રસાર કરવાનાં અકિલા પરિવારનાં પ્રસંશનીય પગલાં ગુજરાત્રીનો પ્રથમ શો રહ્યો સુપરહીટ : અકિલા : ઇન્ડિયા ઈવેન્ટ્સ આયોજીત ગુજરાત્રીને વિવિધ ક્ષેત્રોનાં કલાકારો, મહાનુભાવો અને આમ ઔર ખાસ સૌ કોઈએ વધાવ્યું-વખાણ્યું : ગુજરાત્રી - કોકટેલ desi જલસાનું હેંગઓવર કયારેય ન ઉતરે એવા કાર્યક્રમનું અકિલા ઇન્ડિયા ઈવેન્ટ્સ દ્વારા શાનદાર - જાનદાર આયોજન : સંચાલક વિરલ રાચ્છ સાથે આલાપ દેસાઈ, હિમાલી વ્યાસ નાઈકએ સૂર અને તુષાર શુકલ, મિલિન્દ ગઢવી, રઈશ મણીયાર, એશા દાદાવાલાએ શબ્દોનું મેઘધનુષ રચ્યું : કવિતામાં સંચાલન અને સંચાલનમાં કવિતા સાથે ઓન ધી રોકસ સંગીત કાર્યક્રમ ગુજરાત્રી - કોકટેલ desiમાં યુવા સંચાલકોને સંચાલનનાં પાઠ શીખવા મળ્યા : શબ્દ અને સૂરનાં કોકટેલ desi કાર્યક્રમમાં નિમિશભાઈ ગણાત્રાનું આકર્ષક આયોજન અને હિરેનભાઈ સુબાનું સુંદર સંયોજન

રાજકોટ : અકિલા ઈન્ડિયા ઈવેન્ટ્સ આયોજીત ગુજરાતીઓ માટે માતૃભાષા ગુજરાતીનાં એક ભવ્યાતિભવ્ય જલસાનો કાર્યક્રમ ગુજરાત્રી - કોકટેલ desi તા. ૨ ફેબ્રુઆરી શનિવારની રાત્રે હેમુગઢવી હોલ ખાતે ઉજવાઈ ગયો. સૌરાષ્ટ્રની ધરતી પર રાજકોટમાં સૌ પ્રથમવાર યોજાઈ ગયેલા શબ્દ - સૂરનો આ પ્રકારનો રચનાત્મક કાર્યક્રમ ગુજરાતી ભાષા, સાહિત્ય અને પત્રકારત્વ જગત માટે ગૌરવરૂપ અવસર અને આશિર્વાદ સમાન બની રહ્યો. અકિલા ઈવેન્ટ્સ આયોજીત ગુજરાત્રીને વિવિધ ક્ષેત્રોનાં કલાકારો, મહાનુભાવો અને આમ ઔર ખાસ સૌ કોઈએ ઉમળકાભેર વધાવી લીધો છે, ઉત્સાહભેર વખાણ્યો છે.

અકિલા ઈન્ડિયા ઈવેન્ટ્સના નવા સોપાન 'ગુજરાત્રી'નો શુભારંભ અકિલા પરિવારનાં મોભી શ્રી કિરીટભાઈ, શ્રી અજીતભાઈ, સત્યસાઈ હાર્ટ હોસ્પિટલનાં શ્રી મનોજભાઈ ભીમાણી, ભાજપ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ, સરગમ કલબના શ્રી ગુણવંતભાઈ તથા અકિલા ઇન્ડિયા ઈવેન્ટ્સ અને ગુજરાત્રીનાં સર્જક શ્રી નિમિશભાઈ ગણાત્રા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો. નિમિશભાઈ ગણાત્રાનાં વિચારબીજ સમી આ ઈવેન્ટનાં આયોજન અને કાર્યક્રમ યોજાવવાના અગાઉથી એટલો જબ્બર પ્રતિસાદ અને અકિલા પરિવાર સાથે સંકળાયેલા સૌ કોઈનો સાથ-સહકાર-સ્નેહ મળ્યો કે, કાર્યક્રમનાં પ્રવેશ પાસ ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં ફકત પાંચ જ કલાકમાં તમામ સીટ બુક થઈ ગઈ હતી! આ દરમિયાન હમણાથી રોજ રાત્રે કડકડતી ઠંડીમાં લોકો વહેલા ઘરમાં પૂરાઈ જતા હતા એવામાં શનિવારે એક પૂર હેમુગઢવી હોલની બહાર દર્શકો-ભાવકોનું આવ્યું. ૮ વાગ્યાનો પ્રવેશ સમય હતો અને કાર્યક્રમ ૯ વાગ્યે શરૂ થવાનો હતો છતાં લોકો ૭.૩૦ વાગ્યાથી હેમુગઢવી હોલ બહાર શિસ્તબદ્ઘ કતાર લગાવી આતુરતાથી અંદર જવા રાહ જોઈ રહ્યા હતા. જોતજોતામાં વિન્ટરની ફૂલ નાઈટમાં સમગ્ર હેમુગઢવી હોલ હાઉસફૂલ..

સાહિત્ય-સંગીતરસિક મહેમાનોને જગ્યા આપવા આયોજકો ખુદ પગથિયા પર ગોઠવાઈ ગયા. આખા હેમુગઢવી ઓડીટોરીયમમાં જયાં જૂઓ ત્યાં બેઠક અને પગથિયા પર માનવ મહેરામણ ગોઠવાઈ ગયું. આ બધા વચ્ચે ઉડીને આંખે વળગે એવી વાત એ રહી કે, આવડા મોટા આયોજન વચ્ચે પણ વ્યવસ્થામાં કયાંક કચાશ જોવા ન મળી. ગુજરાત્રી - કોકટેલ desi કાર્યક્રમનાં આકર્ષક આયોજન બદલ નિમિશભાઈ ગણાત્રા, સુંદર સંયોજન બદલ હિરેનભાઈ સુબા અને વ્યવસ્થા સાંભળનાર કૌશીકભાઈ ચાવડા, રીશીભાઈ સચદે, દીપકભાઈ પટેલના ભરપૂર વખાણ થયા હતા. ખૂબ ટૂંકા સમયમાં શ્રેષ્ઠ સાહિત્ય-સંગીતનો કોકટેલ કાર્યક્રમ યોજવા બદલ સમગ્ર અકિલા પરિવારની ટિમને પણ દર્શકોએ દાદ દીધી હતી.

અકિલા ઈવેન્ટ્સ આયોજીત ગુજરાત્રી કોકટેલ desi કાર્યક્રમને વિવિધ ક્ષેત્રોની આમ ઔર ખાસ જનતાએ સતત ત્રણ કલાક સુધી જાણી.. માણી.. અનુભવી.. આત્મસાત કરી.. રાજકોટમાં આજ સુધી ઘણા બધા સાહિત્ય-સંગીતનાં કાર્યક્રમ થયા છે પણ અકિલા ઈન્ડિયા ઈવેન્ટ્સનાં ગુજરાત્રી શબ્દ - સૂરનાં જલસામાં જેટલો રસ રાજકોટીયનોએ દાખવ્યો એટલો રસ સાહિત્ય-સંગીતનાં અન્ય કાર્યક્રમમાં ભાગ્યે જ કયારેક દાખવ્યો હશે.ઙ્ગ ત્યાં ઉપસ્થિત દરેક વ્યકિત આ વાત સ્વીકારી હતી. સેલિબ્રિટીઓવાળા ભવ્ય કાર્યક્રમમાં એક પણ ફોર્માલીટી જોવા ન મળી. લાંબાલચક કોઈ ભાષણો નહીં.. કોઈ ભપકો પણ નહીં. કાર્યક્રમ શરૂ કરવામાં અને પૂર્ણ કરવામાં પણ સમયનું ચોક્કસ ધ્યાન રાખવામાં આવ્યું. સાહિત્ય-સંગીતનાં કાર્યક્રમમાં આટલું ઉમદા મેનેજમેન્ટ પહેલી વાર જોવા મળ્યું.

ગુજરાતી ગીત-સંગીત, કવિતા-ગઝલ-શેરોશાયરીનાં આ કોકટેલ desi જલસામાં કલાક્ષેત્રના દિગ્ગજ કલાકારોમાં સંચાલક વિરલ રાચ્છ સાથે આલાપ દેસાઈ, હિમાલી વ્યાસ નાઈકએ સૂર અને તુષાર શુકલ, મિલિન્દ ગઢવી, રઈશ મણીયાર, એશા દાદાવાલાએ ગુજરાત્રીનાં મંચ પરથી શબ્દોનું મેઘધનુષ રચી દીધું. અકિલા ઈન્ડિયા ઈવેન્ટ્સ દ્વારા ગુજરાત્રી આયોજીત કવિતામાં સંચાલન અને સંચાલનમાં કવિતા સાથે ઓન ધી રોકસ સંગીત એટલે કે, કોકટેલ desi કાર્યક્રમની સૂરમય શરૂઆત આલાપ દેસાઈ અને હિમાલી વ્યાસ નાઈક દ્વારા કરવામાં આવી. આ સુરમધુર વાતાવરણમાં શબ્દોનાં રંગ તુષાર શુકલ, મિલિન્દ ગઢવી, રઈશ મણીયાર, એશા દાદાવાલાએ પૂર્યા. સાથોસાથ વિરલ રાચ્છનું રંગારંગ સંચાલન ખરું જ.. અકિલા ઈવેન્ટ્સની ગુજરાત્રી માણનારાઓનાં મહિનાઓ વર્ષો સુધી ૨ ફેબ્રુઆરી શનિવારની રાત્રી નહીં ભૂલે કે તેમનાં માનસપટ પરથી ગુજરાત્રી કોકટેલ - desiની યાદ નહીં ભૂસાઈ.

જેમ-જેમ સમગ્ર કાર્યક્રમ આગળ વધતો ગયો તેમ-તેમ કાર્યક્રમનાં નામને અનુરૂપ 'ગુજરાત્રી' - કોકટેલ desiનો નશો દર્શકોને ચઢતો ગયો. સૌ પ્રથમ વાર શબ્દ અને સંગીતનો અનોખી રીતે ડિઝાઇન કરેલ ઓડિયન્સ interaction સાથેનો મનોરંજક કાર્યક્રમમાં ધમાકેદાર ગીત-સંગીત-કવિતા-ગઝલો રજૂ થઈ. ગુજરાત્રીનાં મંચ પરથી ગુજરાતી સુગમ સંગીત, લોક સંગીત અને જૂના-અર્બન ફિલ્મી ગીતોનાં તાર છેડાયા તો જોકસ, શાયરી, ગઝલ કવિતા, યાદગાર અનુભવો સાથે ગુજરાતી સાહિત્ય-સંગીત-સિનેમાનાં ધૂરંધરો રચયિતાઓ-કલાકારોનું પણ સ્મરણ કરવામાં આવ્યું ને તેમને શબ્દાંજલિ પણ પાઠવાઈ. આ કાર્યક્રમની ખાસ વાત રહી કાર્યક્રમનાં સારથિ વિરલ રાચ્છ અને તુષાર શુકલ, મિલિન્દ ગઢવી, રઈશ મણીયાર, એશા દાદાવાલા દ્વારા કરવામાં આવેલી સંચાલન વિશેની ગોષ્ઠી. કવિતામાં સંચાલન અને સંચાલનમાં કવિતા સાથે ઓન ધી રોકસ સંગીત કાર્યક્રમમાં યુવા સંચાલકોને સંચાલનનાં પાઠ શીખવા મળ્યા. શબ્દ-સૂરની એવી તો રંગોળી પૂરાઈ કે ત્યાં આવેલું પ્રજા પૂર તેમાં તરબોળ થઈ ગયું.. મનોરંજનમાં ગળાડૂબ થઈ ગયું..

ગુજરાત્રી' - કોકટેલ desi કાર્યક્રમનાં અંતિમ તબ્બકામાં આલાપ દેસાઈ અને હિમાલી વ્યાસ નાઈકે ફરી એક વખત ગુજરાતી સુગમ સંગીત, કલાસિકલ મ્યુઝિક અને અર્બન ગુજરાતી ફિલ્મી ગીતો સાથે અવિનાશ વ્યાસનાં ગીત-સંગીત પર શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી મૂકયા. ટૂંકમાં શબ્દ-સૂરનાં કાર્યક્રમ કોકટેલ desiની રૂપરેખા જ એવી ઘડવામાં આવી હતી કે, ત્યાં ઉપસ્થિત સૌ કોઈને પૂરેપૂરા ત્રણ કલાક સુધી માત્રને માત્ર મનોરંજનનો રસથાળ પીરસાયો. અકિલા ઈવેન્ટ્સ આયોજીત ગુજરાત્રી - કોકટેલ desi જલસાનું હેંગઓવર ત્યાં ઉપસ્થિતોને કયારેય નહીં ઉતરે એવો શાનદાર જાનદાર કાર્યક્રમ થયો છે.ઙ્ગ

કલા, સાહિત્ય અને સંગીત સમાજનાં અભિન્ન અંગ છે. રાજકોટ અને ખાસ કરીને સૌરાષ્ટ્રનાં સાહિત્યરસિકોને આજ સુધી કલા-સાહિત્યને અલગ-અલગ પ્રકારે પીરસવામાં આવ્યું છે. ગુજરાત્રી કોકટેલ desi કાર્યક્રમમાં ગુજરાતી શબ્દ-સૂરનો જલસો એક છત નીચે પીરસવામાં આવ્યો.. નિમિશભાઈ ગણાત્રાનો નવતર પ્રયોગ એટલો સફળ થયો કે, કોકટેલ desiને માણવા હેમુગઢવી હોલનું ઓડીટોરીયમ નાનું પડ્યું એટલા બધા લોકો આવ્યા અને નોનસ્ટોપ ત્રણ કલાક ચાલેલા કાર્યક્રમનાં અંતે પણ એવું અનુભવાયું કે સમય ઓછો રાખ્યો છે.. હજુ થોડો સમય કાર્યક્રમ વધુ ચાલતો તો વધુ મજા પડી જતી.. પણ ફરી મળવા કયારેક છૂટા પડવું પડે, કયાંક અટકવું પડે છે. અકિલા ઈવેન્ટ્સ આયોજીત કોકટેલ - desi કાર્યક્રમનાં અંતે આ કાર્યક્રમ સાથે જોડાયેલા નાના-મોટા બધાને સ્ટેન્ડિંગ ઓવેશન તાળીઓથી વધાવતા સૌને એક સવાલ થતો હતો કે, નિમિશભાઈ ગણાત્રા ગુજરાત્રીનો નવો શો કયારે યોજશે?

 : આલેખન :

કિન્નર આચાર્ય

(4:32 pm IST)