મુખ્ય સમાચાર
News of Thursday, 4th January 2018

સલીલ પારેખ ૧૬ કરોડનો વાર્ષિક પગાર લેશે

ઇન્ફોસીસની નવા સીઈઓ સાથે શરૂઆત થઇઃ પોસ્ટલ બેલેટ દ્વારા ઇન્ફોસીસ દ્વારા વિગત જાહેર કરાઈ

નવીદિલ્હી,તા.૪, ઇન્ફોસીસ વર્ષ ૨૦૧૮માં નવા સીઈઓ સાથે નવી શરૂઆત કરવા ઇચ્છુક છે. તાજેતરમાં જ કંપની તરફથી જારી કરવામાં આવેલા પોસ્ટલ બેલેટમાં જણાવવામાં આવ્યું છે કે, નવા સીઈઓ સલીલ પારેખને કેટલો પગાર ચુકવવામાં આવશે તે અંગે વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. આમા જણાવવામાં આવ્યું છે કે, ફિક્સ્ડ પગાર, વેરિયેબલ પે અને સ્ટોક ઓપ્શન મળીને સલીલને કુલ ૧૬.૨૫ કરોડ રૂપિયા વાર્ષિક ચુકવવામાં આવશે. આમા ૬.૫ કરોડ રૂપિયાના ફિક્સ્ડ પગાર સામેલ છે. આની સાથે સાથે તેમને નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના અંતમાં ૯.૭૫ કરોડ રૂપિયા વેરિયેબલ પે તરીકે મળશે. પાંચ વર્ષ માટે ઇન્ફોસીસના સીઈઓ નિમાયેલા સલીલને ૩.૨૫ કરોડ રૂપિયાના સ્ટોક લિમિટ, ૧૩ કરોડ રૂપિયાના વાર્ષિક પરફોર્મન્સ ઇક્વિટી ગ્રાન્ડ અને ૯.૭૫ કરોડના વન ટાઈમ ઇક્વિટી ગ્રાન્ટ પણ મળશે. સલીલથી પહેલા વિશાલ સિક્કા ઇન્ફોસીસના સીઈઓ તરીકે હતા. તેમને નાણાંકીય વર્ષ ૨૦૧૭માં ૬.૭૫ મિલિયન ડોલર આપવામાં આવ્યા હતા જેના ઉપર વિવાદ થયો હતો. સલીલે નિમણૂંક માટે જે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો છે તે મુજબ રાજીનામુ આપીદીધા બાદ છ મહિના પછી સુધી કોઇ હરીફ કંપનીમાં કામ કરી શકશે નહીં. છેલ્લા દિવસોમાં ઇન્ફોસીસ સામે પણ અનેક પડકારો રહ્યા છે.

(9:55 pm IST)