મુખ્ય સમાચાર
News of Thursday, 4th January 2018

નોસ્ત્રાદેમસે આગાહી કરી હતી કે ૨૧મી સદીમાં સૌથી મોટો અભિનેતા ભારતનો હશેઃ જીજ્ઞેશ મેવાણીએ કર્યો મોદી ઉપર જોરદાર કટાક્ષ

મોદી ખોટી સહાનુભૂતિ બતાવે છે : મેવાણી

નવી દિલ્હી તા. ૪ : દલિત નેતા અને વડગામ બેઠકના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ફરી એક વાર પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે. દલિતો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા અંગે મોદી પર નિશાન તાકતા મેવાણીએ ટ્વીટ કર્યું છે કે, નોસ્ત્રાદેમસે આગાહી કરી હતી કે, ૨૧મી સદીમાં સૌથી મોટો અભિનેતા ભારતનો હશે. આ ટ્વીટ સાથે તેમણે એક વીડિયો પણ મૂકયો છે, જેમાં પીએમ મોદીએ દલિતો પ્રત્યે સહાનૂભૂતિ વ્યકત કરતા જે નિવેદન આપ્યું હતું તે બતાવાયું છે.

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વિનર મેવાણીએ પીએમ પર મહારાષ્ટ્રમાં દલિતો પર થયેલા કથિત હુમલા બાદ ભડકેલી હિંસા અંગે કોઈ પ્રતિક્રિયા ન આપવા બદલ તેમના પર દલિતો પ્રત્યે બનાવટી સહાનુભૂતિ દર્શાવવાનો આરોપ મૂકયો છે. મેવાણીએ કહ્યું છે કે, મોદી દલિતો પ્રત્યે પોતાને પ્રેમ છે તેવું બતાવવાનો ખોટો ડોળ કરે છે.

ગત સપ્તાહે મહારાષ્ટ્રમાં પુણે નજીક ભીમા કોરેગાંવ અંગ્રેજો અને પેશ્વા વચ્ચે ૨૦૦ વર્ષ પહેલા થયેલા યુદ્ઘમાં દલિતોએ પેશ્વાને હરાવ્યાની ૨૦૦મી જયંતિના પ્રસંગે અહીં આવેલી સમાધિને જમણેરી વિચારસરણી ધરાવતા નેતાઓ સાંભાજી ભીડે અને મિલિંદ એકબોટે દ્વારા નુકસાન પહોંચાડાતા દલિતોમાં ભડકેલા રોષ પર આ ટ્વીટ કર્યું છે.

સાંભાજી ભીડે અને મિલિંગ એકબોટે દ્વારા ભીમા કોરેંગાંવની લડાઈની ૨૦૦મી જયંતિએ દલિતોના એકત્ર થવાના કાર્યક્રમનો વિરોધ કરવા આ સમાધિને નુકસાન પહોંચાડાયું હતું. પેશ્વાઓ અને અંગ્રેજો વચ્ચે થયેલી આ લડાઈમાં મહારાષ્ટ્રના મહાર દલિતો અંગ્રેજોની પડખે રહ્યા હતા, અને તેમણે પેશ્વાના લશ્કરને હરાવ્યું હતું.

મંગળવારે પોલીસે શિવજાગાર પ્રતિષ્ઠાનના પ્રમખ સંભાજી ભીડે અને સમસ્ત હિંદુ અઘાડીના એકિઝકયુટિવ પ્રેસિડેન્ટ મિલિંદ એકબોટે સામે ફરિયાદ નોંધી છે. તેમન પર ટોળાંને ભડકાવવાનો અને હિંસા ફેલાવવાનો આરોપ મૂકાયો છે. જિજ્ઞેશ મેવાણી પર પણ આ કાર્યક્રમમાં ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો આરોપ છે.

શનિવારે મહારાષ્ટ્ર પોલીસે જણાવ્યું હતું કે, તેમને જિજ્ઞેશ મેવાણી સામે ભડકાઉ ભાષણ આપવા અંગે ફરિયાદ મળી છે. મેવાણીએ ૩૧મી ડિસેમ્બરે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. દલિતો પર થયેલા કથિત હુમલા બાદ ફાટી નીકળેલી હિંસાના પડઘા સમગ્ર મહારાષ્ટ્રમાં પડ્યા હતા, અને બુધવારે મુંબઈ સહિત મહારાષ્ટ્ર સજ્જડ બંધ રહ્યા હતા, ગુજરાતમાં પણ કેટલાક ભાગોમાં તેની આંશિક અસર દેખાઈ હતી.

(4:24 pm IST)