મુખ્ય સમાચાર
News of Thursday, 4th January 2018

અમેરિકા કાર્યવાહી કરશે તો જડબાતોડ જવાબ આપીશું

અમેરિકા હવે પાકિસ્તાનને પોતાના ઇશારે નહી ચલાવી શકેઃ પાક.નો વળતો જવાબ

ઇસ્લામાબાદ તા. ૪ : અમેરિકા અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ વધી રહ્યો છે. અમેરિકાએ પાકિસ્તાનની મિલિટરી એડ (સૈન્ય મદદ) અટકાવી દીધી છે. યુએસએ આવનારા એક અથવા બે દિવસોમાં વધુ કડક પગલાં લેવાની વોર્નિંગ પણ આપી છે. ત્યારબાદ પાકિસ્તાનનું રિએકશન આવ્યું છે. પાકિસ્તાનની આર્મીએ કહ્યું, જો અમેરિકા અમારી વિરૂદ્ઘ કોઇ એકશન લે છે તો તેનો જવાબ આપવામાં આવશે. પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટરે કહ્યું, અમેરિકા હવે પાકિસ્તાનને પોતાના ઇશારા પર નહીં ચલાવી શકે. ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે નવા વર્ષે પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. ત્યારબાદ વ્હાઇટ હાઉસે પાકને આપવામાં આવતી ૧૬૨૬ કરોડ રૂપિયાની સૈન્ય મદદ પણ અટકાવી દીધી હતી.

 અમેરિકા અને પાકિસ્તાનની વચ્ચે નવા વર્ષે સંબંધોમાં કડવાશ આવી ગઇ છે. ટ્રમ્પના આરોપો પર પાકિસ્તાન સરકાર જવાબ આપી ચૂકી છે. પાકિસ્તાનમાં આર્મી જ દેશ ચલાવે છે અને તે વાત બધા જ જાણે છે. બંને દેશોની વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે પહેલીવાર પાકિસ્તાન આર્મીનું રિએકશન આવ્યું છે. ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR)ના ડીજી મેજર જનરલ આસિફ ગફૂરે બુધવારે રાત્રે કડક નિવેદન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, ISPR પાક આર્મીની મીડિયા વિંગ છે. ગફૂર તેના ચીફ છે.

 ગફૂરે કહ્યું, જો અમેરિકા પાકિસ્તાન વિરૂદ્ઘ કોઇ કાર્યવાહી કરે છે, તો પ્રજાની આશા અનુસાર જ તેને જવાબ આપવામાં આવશે.  જો કે, ગફૂરે મીડિયાના કોઇ સવાલનો જવાબ નથી આપ્યો.  અફઘાનિસ્તાનમાં અમેરિકાની સેના પર હક્કાની નેટવર્ક અને તાલિબાની હુમલા થાય છે. હુમલા બાદ આ આતંકવાદી પાકિસ્તાનમાં મોજૂદ આશ્રયસ્થાનોમાં છૂપાઇ જાય છે.

 આ આતંકવાદીઓ વિરૂદ્ઘ અમેરિકા ડ્રોન હુમલા કરે છે. પાકિસ્તાન તેનો વિરોધ કરે છે. હવે પાકિસ્તાન અમેરિકન ડ્રોન હુમલા વિરૂદ્ઘ કાર્યવાહી કરી શકે છે. પાકિસ્તાનના રસ્તેથી અફઘાનિસ્તાન જતી અમેરિકન સૈનિકોના લોજિસ્ટિકસ અટકાવી શકાય છે. આવું પહેલાં પણ થઇ ચૂકયું છે.

 પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટર ખુર્રમ દસ્તગીરનું પણ નિવેદન આવ્યું. તેઓએ કહ્યું, હવે એ શકય નથી કે, અમેરિકા અમારાં દેશને પોતાના ઇશારા પર ચાલવા માટે મજબૂર કરી શકે.હાફિઝ સઇદના જમાત-ઉદ-દાવા પર તેઓએ કહ્યું કે, એ વાતને કોઇ અમેરિકા સાથે કોઇ લેવા-દેવા નથી.

(4:08 pm IST)