મુખ્ય સમાચાર
News of Thursday, 4th January 2018

હ્યુમન ટ્રાફિકીંગની શિકાર ૧૦ છોકરીઓ કેન્યાથી મુકત કરાઇ

સુષ્મા સ્વરાજે દેખાડી દરિયાદિલીઃ વિદેશ મંત્રીએ કેન્યા પોલિસનો આભાર માન્યો

નવી દિલ્હી તા. ૪ : ભારત સરકારે હ્યૂમન ટ્રાફિકિંગની શિકાર બનેલી ૧૦ છોકરીઓને કેન્યાથી મુકત કરાવી છે. જે પૈકી ૭ નેપાળની છે. ગુરુવારે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે તેની જાણકારી આપી. તેઓએ જણાવ્યું કે એક ગેન્ગના લોકો છોકરીઓને વેચવા માટે લઈ ગયા હતા. અનેક દિવસો સુધી તેમને કેન્યાના મોમ્બાસામાં રાખવામાં આવી. વિદેશ મંત્રીએ મદદ માટે કેન્યા પોલિસનો આભાર વ્યકત કર્યો. આ દરમિયાન હૈદરાબાદની મહિાલએ પણ બે બહેનોને સાઉદી અરબથી છોડાવવા માટે સુષ્મા સ્વરાજની મદદની અરજ કરી છે.

વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત સરકારના અધિકારી કેન્યાથી મુકત કરાયેલી છોકરીઓને ભારત લાવવાની વ્યવસ્થા કરી રહ્યા છે. અમે પંજાબ સરકારને જાણકારી આપી છે, જેથી છોકરીઓને વેચનારી ગેન્ગના એજન્ટ અને તેના સાથીઓ પર સકંજો કસી શકાય.છોકરીઓને નોકરીની લાલચ આપીને કેન્યા લઈ જવામાં આવી અને ત્યાં તેમના પાસપોર્ટ-ફોન છીનવી લેવામાં આવ્યા. થોડા દિવસો પહેલા આ મામલાની જાણકારી મળતા વિદેશ મંત્રાલયે કાર્યવાહી કરી.

છોકરીઓની મુકિત માટે સુષ્મા સ્વરાજે કેન્યામાં ઈન્ડિયન હાઈકમિશ્નર સુચિત્રા દુરઈ, ફર્સ્ટ સેક્રેટરી કરણ યાદવ અને કેન્યા પોલીસના વખાણ પણ કર્યા. બીજી તરફ, હૈદરાબાદની મહિલા ફરહાનાએ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પાસે મદદની અરજ કરી છે. ફરહાનાનું કહેવું છે કે તેની બહેનો રહમાના અને નૂર થોડા દિવસો પહેાલ કામને લઈને સાઉદી અરબ ગઈ હતી. લોકલ એજન્ટ તેમને બ્યૂટીશિયનની નોકરી આપાવવાની લાલચ આપી વિદેશ લઈ ગયો.ફરહાના મુજબ, તેમની બંને બહેનોની સાથે છેતરપીંડી થઈ છે.

(4:08 pm IST)