મુખ્ય સમાચાર
News of Thursday, 4th January 2018

હેં... ૮૩% ગુજરાતીઓ ટ્રાફીકના નિયમોની કરે છે અવગણના

ગુજરાતને દેશનું સૌથી સુરક્ષિત રાજય ગણવામાં આવે છે પરંતુ એક સર્વેમાં ચોંકાવનારા તારણો બહાર આવ્યાઃ ર૦૧૬માં ૮૧૩૬ લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યાઃ મોટાભાગનાએ હેલ્મેટ અને સીટબેલ્ટ બાંધ્યા ન હતા : રાજકોટમાં ૯૭ ટકા વાહન ચાલકો હેલ્મેટ નથી પહેરતા તો વડોદરાના ૯૧ ટકા લોકો નથી પહેરતા હેલ્મેટઃ માર્ચ સુધીમાં લોકોને જાગૃત કરવા પ્લાન

નવી દિલ્હી તા.૪ :   દેશની રાજધાની નવી દિલ્હીને ક્રાઈમ કેપિટલ પણ કહેવામાં આવે છે કારણકે ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દ્યણી નબળી છે. પરંતુ જો ટ્રાફિકના નિયમોની વાત કરીએ તો, અહીંના ૯૫ ટકા વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે.

ગુજરાતને દેશનું સૌથી સુરક્ષિત રાજય ગણવામાં આવે છે, પરંતુ અહીંના ૮૩ ટકા લોકો ટ્રાફિકના નિયમોને ગણતા જ નથી. દિલ્હી ઈન્ટીગ્રેટેડ મલ્ટી-મોડલ ટ્રાન્ઝિટ સિસ્ટમ(ડીઆઇએમટીએસ)ના એક સર્વેમાં આ બાબત સામે આવી છે. ડીઆઇએમટીએસ એક અર્બન ટ્રાન્સપોર્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ કંપની છે.

૨૦૧૬માં ગુજરાતમાં ૮૧૩૬ લોકોએ માર્ગ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા, જેમાંથી મોટાભાગના હેલ્મેટ અને સીટ બેલ્ટ ન બાંધ્યો હોવાને કારણે અકસ્માતનો ભોગ બન્યા છે. ચાર મોટા શહેરોની વાત કરીએ તો રાજકોટમાં આ આંકડો સૌથી ખરાબ છે.

રાજકોટમાં ૯૭ ટકા વાહનચાલકો હેલ્મેટ નથી પહેરતા. સંસ્કારી નગરી વડોદરાના ૯૧ ટકા લોકો ટ્રાફિકના નિયમોની અવગણના કરે છે. આ બાબતને ગંભીરતાથી લઈને ગુજરાત ટ્રાફિક બ્રાન્ચના એડિશનલ ડીજીપી  વિપુલ વિજયે દરેક પોલીસ કમિશનર અને ડીએસપીએ  માર્ચ ૨૦૧૮ સુધીમાં તેમના ટ્રાફિક રેગ્યુલેશન પ્લાન જમા કરાવવાનો આદેશ આપ્યો છે. આ સિવાય ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટમાં ખાલી પદો, સ્ટાફની જરૂરિયાત, સીસીટીવીની સંખ્યા, સ્પીડ ગન્સની સંખ્યા વગેરે જાણકારી માંગી છે. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપાલ સેક્રેટરી વિપુલ મિત્ર જણાવે છે કે, ડીઆઇએમટીએસ  દરેક રાજયમાં સેમ્પલ સર્વે કરે છે. આ સર્વેમાં જાણવા મળ્યું કે ગુજરાતમાં મોટાભાગના વાહનચાલકો હેલ્મેટ નથી પહેરતા. લોકોમાં અવેરનેસ વધારવા માટે અમે શોર્ટ ફિલ્મ બનાવી છે જે અમે થિએટર્સમાં બતાવીશું.

વિપુલ આગળ જણાવે છે કે, હાઈવે પર અકસ્મતાની સંખ્યા ઘણી વધારે છે. આ માટે અમે પાછલા થોડાક મહિનાઓમાં ૭૫૦૦૦ ભારે વાહનોમાં સ્પીડ ગવર્નર્સ અને ૫૦૦૦૦ મોટા વાહનોમાં રિફલેકટર લગાવડાવ્યા છે. જો કે મિત્રાએ કહ્યુ હતુ કે, ગુજરાતના માર્ગો ઉપર અકસ્માતથી મોતની સંખ્યામાં ૧૮ ટકાનો ઘટાડો થયો છે. જાન્યુઆરી અન સપ્ટેમ્બર ર૦૧૬ વચ્ચે ૬૧૬૮ લોકોના મોત થયા હતા જયારે ગયા વર્ષે આ જ ગાળામાં પ૩૯૩ લોકો મોતને ભેટયા હતા.

વડોદરાના જોઇન્ટ પોલીસ કમિશ્નર ભાટી કહે છે કે વડોદરામાં અમે સીટબેલ્ટ અને હેલ્મેટ અંગેની ઝુંબેશ શરૂ કરશુ.

(10:47 am IST)