મુખ્ય સમાચાર
News of Thursday, 4th January 2018

અમેરિકામાં વસતા ભારતીય ડોકટરોનો વતનપ્રેમ : ગુજરાતમાં ડોકટરોની હડતાલના દિવસે સ્‍વખર્ચે ગુજરાત આવેલા ૧૪ ઇન્‍ડિયન અમેરિકન તબીબોએ ૨૦૦૦ દર્દીઓને તપાસ્‍યા : વિનામૂલ્‍યે દવાઓ પણ આપી : નર્મદા સુગર તથા RPL ના ઉપક્રમે યોજાયેલા ફ્રી મેડીકલ કેમ્‍પમાં સેવાઓ આપી : જય હો....

નર્મદા : ગુજરાતમાં ગઇકાલે તબીબોની હડતાલના કારણે હજારો દર્દીઓ રઝડી પડયા હતાં. તેવા સંજોગામાં અમેરિકાથી સ્‍વખર્ચે  ભારત આવેલા ૧૪ તબીબોએ માનવતાનું શ્રેષ્‍ઠ ઉદાહરણ પુરૂ પાડયું હતું. તેમણે નર્મદા ખાતેની સુગર ફેકટરીઓમાં કામ કરતા જરૂરીયાતમંદ મજુરોની વિનામૂલ્‍યે સારવાર કરી હતી. નર્મદા સુગર તથા આર.પી.એલ ઉમલ્લાના સંયુકત ઉપક્રમે ફ્રી મેડીકલ કેમ્‍પનું આયોજન કરાયું હતું.

આ પ્રસંગે નર્મદા સુગરના ચેરમેન શ્રી ઘનશ્‍યામ પટેલ, એમ.ડી. શ્રી નરેન્‍દ્ર પટેલ, આર.પી.એલ કંપનીના વાઇસ પ્રસિડન્‍ટ શ્રી શારદા, જનરલ મેનેજર શ્રી સંજય અગ્રવાલ હાજર રહયા હતાં. તથા અમેરિકથી આવેલા ડો. નિતીન શાહ, ડો. શરદ સરૈયા, ડો. રક્ષા સરૈયા, ડો. નીતિનભાઇ (યુરોલોજીસ્‍ટ), ડો. સુહાસ દેસાઇ, ડો. નિર્મળા દેસાઇ, ડો. એસલી, ડો. ઉષા ગુપ્‍તા, ડો. મહેતા (જનરલ) સહિતના તબીબોએ બે હજાર જેટલા દર્દીઓનું વિનામૂલ્‍યે નિદાન કરી દવાઓ આપી હતી.

આ તકે ડો. નિતિન શાહએ જણાવ્‍યું હતું કે તેમની ટીમએ અત્‍યાર સુધીમાં અમેરિકામાં ૧૭૫ તથા વિદેશોમાં ૮૫  મેડીકલ કેમ્‍પો કર્યા છે. જે  માટે તેઓને દીવાળીબા સર્વોદય ટ્રસ્‍ટ, રજનીકાંત કોમ્‍યુનીકેશન સેન્‍ટર, જોય ઓફ ફાઉન્‍ડેશન, શ્રી ભરત પટેલ, શ્રી અશોક પટેલ સહિતના દાતાઓ પાસેથી ડોનેશન મળે છે. જેથી નિદાન કરી દવા પણ વિના મૂલ્‍યે આપી શકાય છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે  છે.

(10:42 pm IST)