મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd January 2018

એએપીથી સંજયસિંહ, સુશીલ ગુપ્તાને ઉપલા ગૃહમાં મોકલાશે

ત્રણ નામો ઉપર એએપીમાં સહમતિ સધાઈ : રાજકીય બાબતોની કમિટિમાં અંતે નિર્ણય કરાયો : કુમાર વિશ્વાસની પસંદગી ન કરાતા જૂથબંધી સપાટી ઉપર આવી

નવીદિલ્હી,તા. ૩ : આમ આદમી પાર્ટીના સંજયસિંહ, જાણિતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એનડી ગુપ્તા અને પૂર્વ કોંગ્રેસી નેતા સુશીલ ગુપ્તાને સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં આમ આદમી પાર્ટીએ ઉમેદવાર બનાવ્યા છે. એએપીમાંથી આ ત્રણ લોકોની પસંદગી કરવામાં આવી છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા દ્વારા પીએસીની બેઠક બાદ આજે આ અંગેની જાહેરાત કરી હતી. દિલ્હીથી રાજ્યસભાની ત્રણ સીટો માટે પાંચમી જાન્યુઆરીના દિવસે અરજી દાખલ કરવાની અંતિમ તારીખ છે. પાર્ટીના વરિષ્ઠ નેતા કુમાર વિશ્વાસ પણ રેસમાં સામેલ હતા પરંતુ પાર્ટીએ તેમને છેલ્લી ઘડીએ ટિકિટ આપી નથી જેથી કુમાર વિશ્વાસે એએપી ઉપર અને ખાસ કરીને મુખ્યમંત્રી કેજરીવાલ ઉપર પ્રહાર કર્યા છે. આજે આમ આદમી પાર્ટીની પોલિટિકલ અફેર્સ કમિટિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં રાજ્યસભાના ઉમેદવારોના નામ ઉપર ચર્ચા થઇ હતી. સિસોદિયાએ કહ્યું હતું કે, જુદા જુદા ક્ષેત્રોના નિષ્ણાતોનો સંપર્ક કરવામાં આવ્યો છે. રાજ્યસભાની ઉમેદવારી માટે પાર્ટીથી બહારના કુલ ૧૮ લોકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સિસોદિયાએ કહ્યું હતું કે, ૧૧ નામો ઉપર ચર્ચા થઇ ચુકી છે. રાજ્યસભાની ઉમેદવારી માટે એએપીમાં જૂથબંધી સ્પષ્ટપણે સપાટી ઉપર આવી ગઈ છે. કુમાર વિશ્વાસને રાજસ્થાનમાં લોકસભાની બે સીટો માટે યોજાઈ રહેલી પેટા ચૂંટણી માટે ઉમેદવાર બનાવવામાં આવે તેવી શક્યતા છે. કુમાર વિશ્વાસ આમ આદમી પાર્ટીના રાજસ્થાનના પ્રભારી તરીકે રહ્યા છે. પાર્ટીએ નક્કી કર્યું ચે કે, રાજ્યસભા પાર્ટીના લોકોના બદલે નિષ્ણાતોને મોકલવામાં આવશે. સંજયસિંહના નામ ઉપર સહમતિ થઇ છે. કારણ કે, પાર્ટી પોતાના કાર્યકરોનું મહત્વ સમજે છે તેવા સંદેશ કાર્યકરોની અંદરપહોંચાડવાની માટેની યોજના છે.

(7:39 pm IST)