મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd January 2018

નોટબંધી બાદ ગુજરાતમાં અધધધ... ૧૩,૬૩,૯૫૬ કરદાતાઓ વધી ગયા!

૭૫૫ ડિફોલ્ટરો સામે પ્રોશિકયુશન કરાશેઃ ડિફોલ્ટરોની મિલકતો જપ્ત કરી જાહેર હરાજી કરાશે : ગુજરાત આયકર વિભાગને સોંપાયેલા ૪૬૮૩૮ કરોડના લક્ષ્યાંક સામે ૩૧૮૧૮ કરોડનો લક્ષ્યાંક પાર

નવી દિલ્હી તા. ૩ : ગુજરાત આયકર વિભાગે રૂપિયા ૪૬૮૩૮ કરોડનું ટાર્ગેટ પુરૃં કરવા માટે કવાયત શરૂ કરી દીધી છે. નોટબંધી અને GSTને લઇને આ ટાર્ગેટ પુરૂ કરવું મુશ્કેલ લાગતું હતું. ત્યારે ગુજરાત આયકર વિભાગના પ્રિન્સિપલ ચીફ કમિશનર એ.કે. જયસ્વાલે ડિસેમ્બર-૨૦૧૭ સુધીમાં ૩૧૮૧૮  કરોડનું લક્ષ્ય પુરૂ કરી દીધું હોવાનો દાવો કર્યો છે. સાથે સાથે આગમી ૩ મહિનામાં ટાર્ગેટ પુરો કરી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું. જોકે નોટબંધીને લીધે ગુજરાતમાં કરદાતાઓની સંખ્યામાં અધધધ કહી શકાય તેટલા ૧૩,૬૩,૯૫૬ કરદાતાઓ વધી ગયા છે. જેને લઇને ટેકસની આવકમાં પણ આગામી દિવસોમાં ચોક્કસ વધારે થઇ શકશે. 

જોકે  કર્મચારીઓના TDS કાપી સરકારી તિજોરીમાં જમા નહિ કરાવતી ૭૫૫ જેટલી કંપનીઓ અને સંસ્થાઓ સામે આયકર વિબાગે પ્રોશિકયુશનની કામગરી શરૂ કરી દીધી છે. આટલું  જ નહિ રીઢા ડિફોલ્ટરોની રાજયભરમાંથી ૧૩૭૦ મિલકતો ટાંચમાં લઇ આગમી દિવસોમાં તેની હરાજી કરવાની કવાયાત શરૂ કરી દીધી છે.  જો ડીફોલ્ટરો સરકારી જોગવાઇ મુજબ કૂલ ડીમાન્ડના ૨૦ ટકા રકમ ૩૧મી માર્ચ સુધીમાં ડિપાર્ટમેન્ટમાં જમા નહિ કરાવે તો તેમની ઓફીસો, ઘર અને મિલકતો પર ડિપાર્ટમેન્ટ ત્રાટકશે જો પરિસ્થીતીથી બચવું હોય તો ડિફોલ્ટરો તરત જ ૨૦ ટકા રકમ જમા કરાવે તેવી ડિપાર્ટમેન્ટ દ્વારા ચેતવણી આપવામાં આવી છે.

૧) નોટબંધી બાદ ઓપરેશન 'કલીન મની'થી ૧૩,૬૩,૯૫૬ કરદાતા વધી ગયા!

નોટબંધી બાદ લોકોએ પોતાની પાસેની રૂપિયા ૧૦૦૦ અને ૫૦૦ની બધી જ નોટો બેંકમાં જમા કરાવવી પડી હતી. જેને લઇને એવા ખાતેદારો કે જેઓ કયારે જ ઇનકમ ટેકસ રિટર્ન ફાઇલ કરતા જ નહોતા. તેમને હવે આયકર વિભાગની નોટીસ મળે તેના બદલે ઇનકમ ટેકસ રિટર્ન ફાઇલ કરવાનું હિતાવહ માનીને રિટર્ન ફાલઇલ કરવાની શરૂઆત કરી દીધી છે. નોટબંધી બાદ આયકર વિભાગના ઓપરેશન કલીન મનીને લઇને દેશની તમામ બેંકોના તમામ ખાતાઓમાં નોટબંધી દરમિયાન કેટલા રૂપિયા જમા થયા તેની વિગતો મળી ગઇ હતી.

જે ખાતાઓમાં રૂપિયા બે લાખથી વધુ જમા થયા હોય તેવા ખાતેદારોમાંથી રેન્ડમલી કેટલાક ખાતેદારોને આયકર વિભાગે નોટીસો પણ પાઠવી હતી. આ ઉપરાંત GSTને લઇને નાના મોટા તમામ વેપારીઓની ખરીદ- વેચાણની વિગતો પણ ડિપાર્ટમેન્ટ પાસે આવી ગઇ છે. જેને લઇને ગુજરાતના જાગૃત નાગરિકોએ સામેથી રિટર્ન ફાઇલ કરવાનું શરૂ કરી દીધું છે. ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગયા વર્ષે કૂલ ૩૧,૭૨ ૨૦૫ કરદાતાઓએ રિટર્ન ફાઇલ કર્યું હતું. જેની સામે ચાલુ વર્ષે ડિસેમ્બર-૨૦૧૭ સુધીમાં ૪૫,૩૬,૧૬૧ કરદાતાઓના રિટર્ન ફાઇલ થઇ ગયા છે. એટલે કે ચાલુ વર્ષે ૧૩,૬૩,૯૫૬  કરદાતાનો વધારો થયો છે.

૨) TDS કાપી  સરકારી તિજોરીમાં જમા નહિ કરાવતા ૭૫૫ ડિફોલ્ટરો સામે પ્રોશિકયુશન

સરકારી અને ખાનગી સંસ્થાઓ અને કંપનીઓ દ્વારા કર્મચારીઓના પગારમાંથી TDS કાપી તો લેવામાં આવે જ છે. જે TDSની રકમ તેઓ સરકારની તિજોરીમાં જમા કરાવતા નથી. જેને કારણે આયકર વિભાગે આવા લોકો- સંસ્થાઓને આઇડેન્ટીફાઇ કરી તેમની સામે પગલાં લેવાની કવાયત શરૂ કરી દીધી છે. આયકર વિભાગના સિનિયર અધિકારીઓના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે TDS ગ્રોથમાં ૧૧.૨ ટકાના વધારા સાથે ૧૨૩૫૭ કરોડ TDS એકત્રિત થયો છે. તેમ છતાં  હજુ ઘણા લોકો TDS જમા કરાવતા નથી.

આ પૈકી આયકર વિભાગે ૭૫૫ ડિફોલ્ટરો આલગ તારવી તેમની સામે પ્રોશિકયુશન કરવાની કવાયત શરૂ કરી દીધી છે. સિનિયર ઓફિસરના જણાવ્યા મુજબ આગમી દિવસોમાં તેમની સામે ચોક્કસ પ્રોશિકયુશન દાખલ કરવામાં આવશે જ. સાથે સાથે અન્ય મોટા ડિફોલ્ટરોને પણ આયકર વિભાગ દ્વારા ચોક્કસ નોટીસ આપી તેમની સામે પણ કડક પગલાં લેવામાં આવશે.

૩) રાજયભરમાંથી  ડિફોલ્ટરોની ૧૩૭૦ મિલકતો ટાંચમાં લેવાઇ, જેની હરાજી કરાશે

 કરચોરો સામે આયકર વિભાગે લાલ આંખ કરી છે. રાજયના એવા રીઢા અને રેગ્યુલર કરદાતાઓ કે જેમને વારંવાર નોટીસો ફટકારવા છતાં તેમણે ટેકસ જમા ન કરાવ્યો હોય તેમની સામે ડિપાર્ટમેન્ટે આકરાં પગલાં લેવાનો નિર્ધાર કરી દીધો છે. આયકર વિભાગે મોટા ડિફોલ્ટરોની રાજયભરમાંથી ૧૩૭૦ મિલકતો ટાંચમાં લઇ લીધી છે. હજુ તેમને કર ચુકવવાનો એક મોકો આપ્યા બાદ  આ મિલકતોની હરાજી કરીને ડિપાર્ટમેન્ટ પોતાની વસુલાત કરી લીશે. આ તો વાત થઇ જેમની પ્રોપર્ટી ટાંચમાં લેવાઇ ગઇ છે. તેવા ડિફોલ્ટરોને પરંતુ હજુ એવા ઘણા ડિફોલ્ટરો છે. કે જેમને ડિપાર્ટમેન્ટ  હજુ એક તક આપવા માંગે છે.

ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ આવા ડિફોલ્ટરો જો સરકારની જોગવાઇ મુજબ કૂલ ડિમાન્ટના ૨૦ ટકા રકમ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવી દેશે તો તેમને બક્ષવામાં આવશે. જો આ તક ચુકી જનાર ડિફલ્ટરે ૩૧મી માર્ચ બાદ આયકર વિભાગના અધિકારીઓ ગમે ત્યારે તેમની ઓફીસ,ઘર કે મિલકતો પર ત્રાટકીને સર્ચ કરશે તેની તૈયારી રાખવી પડશે.  આ ઉપરાંત  ડિપાર્ટમેન્ટ દ્વારા ઘણા કરદાતાઓની સ્ક્રૂટીની કરી તેમના એસેસમેન્ટ બાદ જે ટેકસ જમા કરાવવાની ડિમાન્ડ કરી હતી. તેનો લગભગ ૫૦ ટકા ટેકસ જમા થઇ ગયો છે. ડિપાર્ટમેન્ટ દ્વારા ડિસેમ્બર સુધીમાં રૂપિયા ૨૩૭૯ કરોડની ડિમાન્ડ કરવામાં આવી હતી. જે પૈકી રૂપિયા ૧૨૦૪ કરોડ રૂપિયા સરકારી તિજોરીમાં જમા થઇ ગયા છે.

૪) નોટબંધી બાદ ૨૪૭૯૬ બેંક એકાઉન્ટસની તપાસ શરૂ કરાઇ હતી!

નોટબંધી બાદ દેશવાસીઓએ પોતાની પાસેની રૂપિયા ૧૦૦૦ અને પ૦૦ની નોટો ફરજીયાત બેંકમાં જમા કરાવવી પડી હતી. જેમની પાસે કાળું નાણું હતું. તેમણે અન્યોના ખાતામાં રૂપિયા જમા કરાવી પોતાની રૂપિયા ૧૦૦૦ અને પ૦૦ની નોટો સેટ કરી હતી. જોકે આ તમામ સેટીંગ ઉપર આયકર વિભાગની ચોક્કસ વોય હતી. જેને લઇને આવા એકાઉન્ટસની તપાસ શરૂ કરવામાં આવી હતી. ઘણા જનધન યોજના અંતર્ગત ખોલાયેલા ખાતાઓમાં પણ નોટબંધી બાદ અચાનક જ લાખો રૂપિયા જમા થઇ ગયા હતા.

તો બીજી તરફ વર્ષોથી સુષુપ્ત ખાતો પણ એકાએક એકટીવ થઇ ગયા હતા. અને તેમાં રૂપિયા જમા થઇ તેના મલ્ટી ટ્રાન્જેકશન પણ થઇ ગયા હતા. રાજયભરના બેંકમાંથી આવા ૨૪૭૯૬ ખાતાઓમાં શંકાસ્પદ વ્યવહારો થયા હોવાની વિગતો આયકર વિભાગને મળતાં તેની પાસ શરૂ કરવામાં આવી હતી. આયકર વિભાગની ટીમે વર્ષ દરમિયાના કૂલ ૨૩૬૦૦ ખાતાઓની તપાસ પૂરી કરી દીધી છે. આ તપાસમાંથી ઘણી ચોંકાવનારી વિગતો ડિપાર્ટમેન્ટને મળી છે. જેને આધારી પણ ઘણી તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં ઘણા મોટા માથાઓની સંડોવણી પણ બહાર આવશે.

૫) ગુજરાત આયકર વિભાગ સામે વડાપ્રધાનની વેબસાઇટ પર ૯૫૪ ફરિયાદો!

વડાપ્રધાનની ખાસ વેબસાઇટ પર કોઇ પણ સરકારી વિભાગની ફરીયાદ હોય તો તેને રજૂ કરવાની જોગવાઇ છે. આ વેબસાઇટ પર દેશના નાગરિકો પોતાની તકલીફો, જે તે વિભાગ કે અધિકારીન સામેની ફરીયાદો પણ રજૂ કરી શકાય છે. દેશના જાગૃત નાગરિકો આ વેબસાઇટ પર પોતાની ફરીયાદો કરી રહ્યા છે. ત્યારે જ ગુજરાત આયકર વિભાગ સામે ગત વર્ષ દરમિયાના કૂલ ૯૫૪ ફરિયાદો થઇ હતી. જોકે આ ફરિયાદોને પ્રિન્સિપલ ચિફ કમિશનર ગુજરાત એ.કે. જયસ્વાલે ખુબ જ ગંભીરતાથી લઇને તેના નિકાલ કરવા માટે અધિકારીઓને સુચનાઓ આપી હતી. જેને પગલે વર્ષાંતે ૯૦૦ ફરિયાદોનો નિકાલ આવી ગયો છે.

૬) આયકર વિભાગે અમદાવાદની ૩૮ સહિત વધુ ગુજરાતની ૮૩ પ્રોપર્ટી ટાંચમાં લીધી

મોટા કરચોરો અને જેમની પાસે મબલખ કાળું નાણું છે. તેમણે મિલકતોમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે. આવી બેનામી પ્રોપર્ટી સામે પગલાં લેવા સરકારે બેનામી પ્રોપર્ટી એકટ અમલી કર્યો છે. બેનામી પ્રોપર્ટી એકટ અંતર્ગત ગુજરાત આયકર વિભાગે સુરતના કિશોર ભજીયાવાળા સામે સૌથી પહેલા ગુનો નોંધી તેની મિલકતો ટાંચમાં લીધી હતી. ત્યાર બાદ વડોદરાના K-10 ગૃપ સામે પણ આયકર વિભાગે બેનાની પ્રોપર્ટી એકટ અંતર્ગત ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી. દેશમાં હજારો કરોડની બેનામી પ્રોપર્ટી છે. માટે આવી પ્રોપર્ટી શોધી કાઢવા માટે ગુજરાત આયકર વિભાગે સ્પશિયલ ટાસ્ક ફોર્સની રચના કરી છે. જે ટીમે છેલ્લા મહિના દરમિયાના ગુજરાતમાંથી ૧૯ કરોડની કૂલ ૮૩ મિલકતો ટાંચમાં લીધી છે. જેમાં ૩૮ મિલકતો અમદાવાદની હોવાનું જાણી શકાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત આયકર વિભાગે જૂન -૨૦૧૭ પહેલા જ ગુજરાતમાંથી કૂલ ૪૮૨ કરોડ રૂપિયાની મિલકતો ટાંચમાં લીધી હતી. જે અંગે પણ તપાસ ચાલી રહી છે.

દેશના નાગરિકો પણ બેનામી પ્રોપર્ટીની માહિતી ડિપાર્ટમેન્ટને આપે : એ.કે. જયસ્વાલ

દેશના જાગૃત નાગરિકો  જ પોતાની આજુબાજુની બેનામી પ્રોપર્ટી અંગે આયકર વિભાગને જાણ કરે તે આવકાર્ય છે. કોઇ પણ નાગરિક કાળાં નાણાં કે બેનાની પ્રોપર્ટીની માહિતી આયકર વિભાગને ઇ-મેઇલ દ્વારા જાણ કરી શકે છે.  જે તે ઇ-મેઇલની વિગતો ચોક્કસ ગુપ્ત રાખવામાં આવે છે. આ ઉપરાંત કરચોરો અને ડિફોલ્ટરો સામે ચોક્કસ કડકાઇથી પગલાં લેવામાં આવશે.

(3:46 pm IST)