મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd January 2018

વડાપ્રધાન કેમ બની જાય છે મૌની બાબા?

મહારાષ્ટ્ર હિંસાના સંસદમાં પડઘાઃ કોંગ્રેસના ખડગેનો કટાક્ષ

નવી દિલ્હી તા. ૩ : પૂણે હિંસાના મુદ્દા પર આજે લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળો થયો. રાજ્યસભા પહેલા ૧૨ વાગ્યા સુધી અને ત્યારબાદ ૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઇ. બીએસપીએ આરોપ મુકયો કે ભાજપ - આરએસએસ દલિતોને ટોર્ચર કરી રહ્યા છે. લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે જે રાજ્યોમાં ભાજપની સરકાર છે ત્યાં દલિતો પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ મીડિયા સૂત્રોના જણાવ્યા મુજબ ગૃહમંત્રી રાજનાથસિંહ આ હિંસા અંગે સંસદમાં નિવેદન પણ આપશે. સરકારની ચિંતા રાજ્યસભામાં ત્રણ તલાક બિલ અંગે પણ છે. જો રાજ્યસભામાં હોબાળો યથાવત રહ્યો તો સરકારને બિલ રજુ કરવામાં મુશ્કેલી થશે.

ખડગેએ કહ્યું કે, પૂણેની હિંસાની પાછળ સમાજના ભાગલા પડવા માટે જવાબદાર ખટ્ટર હિંદુત્વવાદી, આરએસએસના લોકો છે. તેઓએ જ આ કામ કરાવ્યું છે. આ મામલાની તપાસ સુપ્રીમ કોર્ટના જજ પાસે કરાવવી જોઇએ. વડાપ્રધાનને કહો કે તેઓ આ મુદ્દા પર ચુપ્પી ન સાધી સંસદમાં આવીને જવાબ આપે. આવા મુદ્દા પર તેઓ મૌની બાબા બની જાય છે.

સંસદીય કાર્યમંત્રી અનંતકુમારે કહ્યું કે, કોંગ્રેસ ભાગલા પાડો અને રાજકરોની નીતિ પર કામ કરી રહી છે. જ્યારે નરેન્દ્ર મોદી સબકા સાથ સબકા વિકાસ પર કાર્ય કરી રહી છે અને તેઓ દેશમાં એકતા જાળવવાનું કાર્ય કરી રહ્યા છે.

મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષ આગને બુજાવાની જગ્યાએ તેને ભડકાવાનું કામ કરી રહ્યા છે. તેને દેશ સહન કરશે નહિ. લોકસભામાં મુલાયમસિંહ યાદવે કહ્યું કે, સરકારે આર્મીના હાથ બાંધી રાખ્યા છે તેઓને યોગ્ય ઓર્ડર અપાયા નથી. આપણા જવાન શહીદ થઇ રહ્યા છે. વિશ્વમાં આપણુ અપમાન થઇ રહ્યું છે.

પૂણે હિંસા અંગે વિપક્ષે સ્થગન પ્રસ્તાવ આપ્યો છે. સપા નેતા નરેશ અગ્રવાલ અને કોંગ્રેસ નેતા રજની પાટીલે રાજ્યસભામાં અને ખડગેએ લોકસભા સ્થગન પ્રસ્તાવ આપ્યો.(૨૧.૨૨)

(3:46 pm IST)