મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd January 2018

બહુમતી 'પાતળી' હોવાથી સમસ્યા 'જાડી': બે દાયકા બાદ પ્રથમ વખત રાજકીય અસ્થિરતાના ડોકિયા

રૂપાણી સરકાર કયા 'ચોઘડિયે' સત્તારૂઢ થઇ છે ? એક પછી એક પડકારોઃ દબાવીને લેવાની નવા પ્રથા શરૂ ?

રાજકોટ, તા. ૩ :. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પછી માત્ર ૭ સભ્યોની બહુમતીથી સરકાર રચી શ્રી વિજય રૂપાણી સત્તારૂઢ થયા છે પરંતુ સરકારની રચના વખતથી જ એક પછી એક આંતરીક પડકારો આવવા લાગ્યા છે. ખાતા ફાળવણીમાં ૩ દિ'નો વિલંબ અને નિતીન પટેલના અસંતોષ પછી હવે રાજ્ય કક્ષાના મંત્રી પરસોતમ સોલંકીએ પણ ધોકો પછાડયો છે. જાહેરમાં અસંતોષ વ્યકત કરી પાર્ટીની શિસ્તના દાવાને સીધો પડકારવાનો નવો સીલસીલો શરૂ થયો છે. સરકારની બહુમતી પાતળી હોવાથી અસંતોષથી સર્જાયેલી સમસ્યા તરત જાડી થઈ જાય છે. આ રીતે અસંતોષ વ્યકત કરવાની નવી પદ્ધતિ ચોંકાવનારી છે. ગુજરાતમાં ભાજપના શાસનમાં બે દાયકા પછી રાજકીય અસ્થિરતાના ડોકીયા થઈ રહ્યાનું કોઈ માને તો તેમા અતિશયોકિત ન ગણાય.

ભાજપ એક સમયે શિસ્તબદ્ધ પક્ષ તરીકે જાણીતો હતો. મોદી ગુજરાતમાં શાસનમાં હતા તે વખતે અસંતોષ નહોતો તેવુ માનવાનું કોઈ કારણ નથી પરંતુ તેમના પ્રભાવના કારણે અસંતોષ દબાયેલો રહેતો. આનંદીબેન પટેલ વખતે એ જ પ્રભાવની પરંપરા જળવાઈ રહી હતી પરંતુ આ વખતે રૂપાણીના રાજમાં તેમા ઓટ આવી છે. ભાજપના જ એક પછી એક આગેવાનો માથુ ઉંચકી રહ્યા છે. ભાજપને ધારાસભામાં માત્ર ૯૯ બેઠકો જ મળી હોવાથી મુખ્યમંત્રી ધારાસભ્યોને અવગણી શકે તેવી સ્થિતિમાં નથી અને સંપૂર્ણ કાબુમાં રાખી શકે તેવી પણ સ્થિતિ નથી. કોઈ આ બાબતને સંજોગો આધારીત મજબુરી ગણે છે તો કોઈ નબળા નેતૃત્વની નિશાની ગણે છે.

ગુજરાતમાં છેલ્લે ૧૯૯૬-૯૭ના અરસામાં ભાજપમાં બળવો થયેલ. ત્યાર બાદ એકંદરે રાજકીય સ્થિરતાવાળી પરિસ્થિતિ જળવાઈ રહેલ. આ વખતે સરકારે જાણે કયા ચોઘડીયે શપથ લીધા છે? તેવા પ્રશ્ન સાથે રાજકીય પડકારો સામે આવી રહ્યા છે. નિતીન પટેલે વટથી નાણા ખાતુ મેળવ્યુ છે. હવે પરસોતમ સોલંકીએ મહત્વના ખાતા માટે અવાજ ઉઠાવ્યો છે. જવાબદાર આગેવાનોના જાહેર અસંતોષ પાછળ કોઈનો દોરીસંચાર છે કે કેમ ? તેવો સવાલ રાજકીય વર્તુળોના મનમાં ઉઠી રહ્યો છે. ભાજપની આંતરીક લડાઈ આગળ વધશે તો આવતા દિવસોમાં ગુજરાતમાં બિહામણા રાજકીય દ્રશ્યો જોવા મળશે. સંખ્યાબળની દ્રષ્ટિએ ભાજપ મજબુત સ્થિતિમાં નથી તેથી ગમે ત્યારે રાજકીય અસ્થિરતા આવી શકે છે.(૨-૧૯)

(3:35 pm IST)