મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd January 2018

નારાજ પુરૂષોત્તમ સોલંકી પણ નવાજુનીના મૂડમાં

કમૂરતામાં રચાયેલી ભાજપ સરકારની મુશ્કેલીઓ વધતી જ જાય છે

અમદાવાદ તા. ૩ : કમુરતાંમાં રચાયેલી ભાજપ સરકારને એક પછી એક મુશ્કેલી નડી રહી છે. પાતળી બહુમતીથી રચાયેલી સરકારને ફરી એક વાર 'નારાજગી'નું ગ્રહણ નડ્યું છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની 'સ્વમાન'ના મુદ્દે સારાં ખાતાંની માગનાં રિસામણાંનો એપિસોડ માંડ પૂરો થયો છે ત્યાં ફરી પ્રધાન પુરૂષોત્તમ સોલંકી નારાજ થયા છે.

તેમણે પણ સારાં ખાતાંની માગણી સાથે નારાજગીના મુદ્દે આજે મળેલી પ્રધાન મંડળની પહેલી કેબિનેટ બેઠકમાં જવાનું ટાળ્યું છે. સવારે દસ વાગે કેબિનેટ બેઠક ચાલુ હતી ત્યારે કોળી સમાજના આગેવાનોના ટોળે ટોળાં ગાંધીનગરના તેમના નિવાસ સ્થાને એકઠાં થયાં છે. પ્રધાનોના નિવાસ સ્થાન બંગલા નં.૧૯માં પુરૂષોત્ત્।મ સોલંકી જ્ઞાતિ અને સમાજના આગેવાનો સાથે બેઠક કરીને આગળની રણનીતિ દ્યડી રહ્યા છે.

ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો એક પછી સામી છાતીએ મેદાને પડતાં ખુદ દિલ્હી હાઇકમાન્ડ પણ ચોંકયું છે. ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજય કક્ષાના મત્સ્ય ઉદ્યોગ પ્રધાન પુરૂષોત્તમ સોલંકીએ ગઇ કાલ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રૂબરૂ મળીને રજુઆત કરી છે કે તેઓ છેલ્લી પાંચ ટર્મથી ચૂંટાઇ રહ્યા છે છતાં તેમને એકનું એક ખાતું અપાય છે અને કેબિનેટ કક્ષાના પ્રધાન તરીકે કેમ સ્થાન નથી અપાતું કે તેમને વધુ સારું ખાતું કેમ ફાળવવામાં આવતું નથી.

તેઓએ રજુઆત કરી કે મારી પાસે ફાઇલો નથી આવતી એટલે હું વિધાનસભા કે કેબિનેટમાં જતો નથી. હું બીમાર નથી સારી રીતે કામ કરી શકું છું. ખાતાની ફાળવણીને લઇને નારાજ પુરૂષોત્તમ સોલંકીએ બળાપો કાઢ્યો છે કે મને પણ એક સારું કે મહત્વનું ખાતું મળવું જોઇએ હાલમાં તેમણે કોઇ પણ નિર્ણય લેવાનું કોળી સમાજ પર છોડ્યું છે. તેમના નિવાસ સ્થાને કોળી સમાજના આગેવાનો સાથેની બેઠક બાદ તેઓ કોઇ ચોક્કસ નિર્ણય લેશે.

સવારે પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને કોળી સમાજના આગેવાનોની બેઠક મળી હતી. જે બાદ સોલંકીએ જણાવ્યું હતું કે, મારૂ સમાજ કહેશે તો હું રાજીનામુ આપી દઇશ. અમારા સમાજની લાગણી અને માગણી છે કે મને સારૃં ખાતું મળવું જોઇએ. બીજી બાજુ, આજે બપોર બાદ વિજય રૂપાણી પરસોત્તમ સોલંકી સાથે બેઠક કરે તેવી સંભાવનાઓ વ્યકત કરવામાં આવી રહી છે.

નીતિન પટેલ પછી ખાતાની ફાળવણી અંગે નારાજ થયેલા રૂપાણી સરકારના વધુ એક મંત્રી પરષોત્ત્।મ સોલંકી આજે મળેલી બેઠકમાં ગેરહાજર રહ્યા છે. આ ઉપરાંત, તેમના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને સમર્થકોનો જમાવડો થયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. સમગ્ર ઘટનાક્રમ જોતા સોલંકી આગામી દિવસોમાં નવા-જૂની કરે તો નવાઈ નહીં તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

ગઈ કાલે પરષોત્તમ સોલંકીએ ખુલ્લેઆમ પોતાને માત્ર મત્સ્ય વિભાગ અપાતા નારાજગી વ્યકત કરી હતી, અને કહ્યું હતું કે જો સીએમ રૂપાણી પોતે ૧૨-૧૨ ખાતાં લઈને બેઠા હોય તો તેમને કેટલાક મહત્વના વિભાગ આપવામાં વાંધો શું છે? સોલંકીએ એમ પણ કહ્યું હતું કે, પાંચ વાર ચૂંટણી જીત્યા બાદ પણ તેમને રાજયકક્ષાના મંત્રી બનાવી માત્ર એક જ ખાતું અપાતા સમગ્ર કોળી સમાજ નારાજ છે.

મહત્વનું છે કે, સોલંકીએ ગઈ કાલે સીએમ વિજય રૂપાણી સાથે મુલાકાત પણ કરી હતી. જોકે, તે મુલાકાત બાદ તેમણે કહ્યું હતું કે, સીએમની ઓફિસમાં ભીડ વધારે હોવાથી તેમની ખાસ વાતચીત નહોતી થઈ શકી. સીએમે પાંચ દિવસ પછી પોતાને મળવાનો સમય આપ્યો હોવાનું અને પોતાની માગણી સંતોષાશે તેવી ખાતરી આપી હોવાનું પણ સોલંકીએ કહ્યું હતું.

સીએમ સાથે સોલંકીએ મુલાકાત કર્યા બાદ ભાજપના સીનિયર નેતા અને રૂપાણી સરકારના સીનિયર મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સોલંકીને મનાવવા દોડી ગયા હતા. ચુડાસમાએ કહ્યું હતું કે, સોલંકી નારાજ જરાય નથી. લોકશાહી પદ્ઘતિમાં બધાને પોતાના મુદ્દા પ્રસ્તુત કરવાનો હક્ક છે. તેમણે સોલંકીને ભાજપના સમર્પિત યોદ્ઘા પણ ગણાવ્યા હતા.

જોકે, સીએમે પોતાની માગણી સંતોષવાની ખાતરી આપ્યા બાદ પણ સોલંકીના તેવર શાંત નથી થયા તેમ લાગી રહ્યું છે. તેમના ઘરે સમર્થકોનું મહેરામણ ઉમટી રહ્યું છે, અને તેમણે ઓફિસે જવાનું પણ બંધ કરી દીધું છે. તેવામાં ભાજપ માટે સોલંકી આવનારા સમયમાં સમસ્યા ઉભી કરે તેવી શકયતા નકારી નથી શકાતી.

સોલંકી એ હદે નારાજ છે કે ગઈકાલે તેમણે ત્યાં સુધી કહી નાખ્યું હતુ કે, માત્ર એક જ વિભાગનો રાજયકક્ષાનો હવાલો ફાળવવામાં આવતા મારો ટાઈમ પણ પાસ નથી થતો, અને મને કોઈ ફાઈલો પણ નથી મળતી. જો મને કોઈ મહત્વના વિભાગ સોંપવામાં આવે તો હું લોકકલ્યાણના કામ વધુ સારી રીતે કરી શકું.

(3:31 pm IST)