મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd January 2018

નીતિન પટેલ, પુરૂષોત્તમ સોલંકી પછી હવે કોણ રૂપાણીનું ટેન્શન વધારશે?

૨૨ વર્ષમાં પહેલીવાર આવું થયું છેઃ મોદી - શાહના જવાથી પક્ષ નબળો પડયો?

નવી દિલ્હી તા. ૩ : ગુજરાતનો છેલ્લા ૨૨ વર્ષનો ઈતિહાસ જોઈ લો, આટલા વર્ષોમાં હજુ સુધી એવું કયારેય નથી બન્યું કે સરકાર બન્યાના બે-ત્રણ દિવસમાં જ કોઈ મંત્રીનો પોર્ટફોલિયો બદલવો પડ્યો હોય. એટલું જ નહીં, પોતાને ફાળવાયેલા ખાતાં અંગે પણ આજ સુધી કોઈ મંત્રીએ વિરોધનો હરફ સુદ્ઘા નહોતો ઉચ્ચાર્યો, અને જેણે ઉચ્ચાર્યો તેની રાજકીય કારકિર્દી જ ખતમ થઈ ગઈ.

જોકે, મોદીના પીએમ બન્યા બાદ સ્થિતિ ખાસ્સી બદલાઈ ગઈ છે. સૌને એમ હતું કે, મોદી પીએમ બનશે તેનાથી ગુજરાતમાં પણ ભાજપ મજબૂત બનશે, પરંતુ આ અવધારણા ખોટી પડી રહી છે. રાજયમાં હાલ જે સ્થિતિ ઉભી થઈ છે, તેનો લાભ માત્ર વિપક્ષ જ નહીં પણ પક્ષના જ કેટલાક લોકો પણ લેવામાં લાગી ગયા છે.

૨૦૧૭માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ૯૯ બેઠકો જીતવા પણ જમીન-આસમાન એક કરવા પડ્યા. જે પાર્ટી ૧૫૦ બેઠકોનો ટાર્ગેટ કાર્યકર્તાઓને આપી રહી હતી, તેણે જ પરિણામ આવ્યા બાદ ૨૨ વર્ષે પણ લોકોએ ફરી અમને સત્તા આપી તે મોટી વાત છે તેમ કહી ૯૯ બેઠકો જીતીને પોતે મોટી જીત છે તેવું બતાવવા પ્રયાસ કરવો પડ્યો તે જ ભાજપ માટે હવે દિવસેને દિવસે સ્થિતિ અઘરી બની રહી છે.

મંત્રીઓને ખાતાં ફાળવાયાના માત્ર ૪૮ કલાકની અંદર જ નીતિન પટેલે નારાજગી વ્યકત કરી પક્ષને ૪૮ કલાકની ડેડલાઈન આપી દેતાં જ આખા દેશમાં આ મુદ્દો ચર્ચાસ્પદ બની ગયો હતો. નીતિન પટેલ ઝૂકશે કે પછી પક્ષનું મોવડીમંડળ તે આખા દેશમાં ચર્ચાઈ રહ્યું હતું. આખરે, ૨૪ કલાકમાં પક્ષે નીતિન પટેલને તેમને જે ખાતું જોઈતું હતું, તે આપીને મનાવી લીધા. જોકે, નીતિન પટેલની જીદ પક્ષે માની ત્યારે પક્ષના જ ટોચના નેતાઓમાં એક છૂપો ભય હતો, જે હવે સાચો પડી રહ્યો છે.

ગુજરાતીમાં કહેવત છે કે, 'ડોશી મરે તેનો ડર નથી, જમ ઘર ભાળી જાય તેનો ડર છે..' કંઈક આવું જ હવે ભાજપમાં થઈ રહ્યું છે. નીતિન પટેલે નારાજગી વ્યકત કરી પક્ષથી રિસાઈ જઈને તેમજ રાજીનામું આપવાની ધમકી આપીને પણ પોતાની જીદ પૂરી કરાવડાવી. નીતિન પટેલનું પ્રકરણ પૂરું થતાં રૂપાણી રિલેકસ થઈ ગયા હતા, પણ તેના બે જ દિવસમાં હવે તેમના વધુ એક મંત્રી નીતિન પટેલના રસ્તે આગળ વધી રહ્યા છે.

પાટીદાર નેતા નીતિન પટેલ બાદ હવે કોળી આગેવાન પુરૂષોત્તમ સોલંકીએ પણ નારાજગી વ્યકત કરીને પોતાને કદ અનુસાર ખાતાં ફાળવવામાં આવે તેવી માગ કરી છે, અને એવી ચિમકી પણ આપી દીધી છે કે જો તેમની માગ પૂરી ન થઈ તો ૨૦૧૯માં આવી રહેલી લોકસભા ચૂંટણી વખતે કોને મત આપવો તે કોળી સમાજે વિચારવું પડશે.

પુરૂષોત્તમ સોલંકી હવે મિટિંગમાં પણ હાજર નથી રહેતા. પોતાના ઘરે તેમના સમર્થકોનો મેળાવડો ઉમટી રહ્યો છે. તેઓ પોતે પાછા એમ પણ કહી રહ્યા છે કે, સીએમ રૂપાણી પોતાની પાસે ૧૨ ખાતાં રાખતા હોય તો તેમને વધારે ખાતાં આપવામાં શું વાંધો છે? સોલંકીને મનાવવા સરકારે પ્રયાસ શરુ કરી દીધા છે, પણ હાલ તો સોલંકી જરાય મચક ન આપી રહ્યાનું દેધાઈ રહ્યું છે.

પહેલા નીતિન પટેલ અને પછી પુરૂષોત્તમ સોલંકી અને આટલું ઓછું હોય તેમ વિધાનસભામાં પાતળી બહુમતી .પક્ષની હાલત હાલ તો એક સાંધો ત્યાં તેર તૂટે તેવી થઈ રહી છે. તેમાંય ૨૦૧૯ની લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોઈ પણ સમાજને નારાજ કરવું ભાજપને પોષાય તેમ નથી.

(3:27 pm IST)