મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd January 2018

મોબાઇલ ફોનમાં આવી રહ્યાં છે પેનિક બટન

નવી દિલ્હી તા.૩: મોબાઇલમાં બાળકો અને મહિલાઓ માટે પેનિક બટન આવી રહ્યાં છે અને એની ટ્રાયલ ૨૬ જાન્યુઆરીથી ઉત્તર પ્રદેશમાં શરૂ કરવામાં આવશે. જો ટ્રાયલ સફળ રહી તો પહેલાં આખા ઉત્તર પ્રદેશમાં અને પછી આખા દેશમાં લાગુ પાડવામાં આવશે. મુસીબતમાં ફસાયેલા બાળકો કે મહિલાઓ આ પેનિક બડન દબાવશે કે તરત જ તેમને મદદ ઉપલબ્ધ થશે.

આ પેનિક બટનને ઇમર્જન્સી રિસ્પોન્સ સાથે જોડવામાં આવશે અને એ માટે યુઝરે મોબાઇલમાં એક એપ ડાઉનલોડ કરવી પડશે. એમ કરવાથી પેનિક બટન એકિટવ થશે. ઓગસ્ટ-૨૦૧૭ બાદ બનેલા તમામ મોબાઇલ હેન્ડસેટના હાર્ડવેરમાં પેનિક બટનની વ્યવસ્થા કરવામાં આવી છે. પેનિક બટનની એપ ડાઉનલોડ કર્યા બાદ કોઇ ત્રણ વાર પાવર બટન દબાવશે તો પેનિક બટન એકિટવ થશે અને ૧૧૨ નંબર પર ફોન પોતાની મેળે લાગશે.

અમુક રાજ્યોમાં ૧૧૨ નંબર ચાલુ થઇ ગયો છે તો અમુક રાજ્યોમાં જયાં ૧૧૨ નંબર નથી ત્યાં આ ફોન ૧૦૦ નંબર પર લાગશે. પેનિક બટન દબાવતાંની સાથે નજીકના પોલીસ-અધિકારીને એક મેસેજ જશે. મોબાઇલમાં ફીડ પાંચ સ્વજન કે મિત્રોને પણ આ મેસેજ જશે.

ઇમર્જન્સી નંબર પર વોઇસ કોલ જશે. એ ઉપરાંત તમામ પાસે યુઝરનું લોકેશન જશે અને લોકેશનની આસપાસ હોય  એવા ૨૫ વોલન્ટિયર્સનું રજિસ્ટ્રેશન રજિસ્ટ્રેશન શરૂ કરશે.

ટ્રાયલ રન તબક્કાવાર કરવામાં આવશે. પહેલા તબક્કામાં પરિચિત યુઝરમાં અખતરો કરવામાં આવશે. બીજા તબક્કામાં સિલેકટેડ અને અજાણ્યા યુઝર્સનો ટ્રાયલમાં ઉપયોગ  કરવામાં આવશે. ટ્રાયલ માટે ઉપર પ્રદેશની એટલા માટે પસંદગી કરવામાં આવી છેકે  સરકાર એમ માને છે કે જો ત્યાં અખતરો સફળ રહ્યો તો દેશના કોઇ પણ ભાગમાં એ સફળ રહેશે.

(12:26 pm IST)