મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd January 2018

ચીનની નાપાક હરકતઃ ર૦૦ મી. સુધી ઘુસાડયા સૈનિકો

ડાકલામ વિવાદ હજુ શમ્યો નથી ત્યાં અરૂણાચલમાં ચીને લખણ ઝળકાવ્યા : ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને ખદેડી મુકયાઃ સામાન પણ જપ્ત કર્યો

નવી દિલ્હી તા.૩ : ડોકલામ વિવાદ શાંત થયાને હજુ વધુ દિવસો થયા નથી ત્યાં ચીનના સૈનિકોએ આ વખતે અરૂણાચલ પ્રદેશમાં ઘુસણખોરી કરી માર્ગ બનાવવાનો પ્રયાસ કર્યો છે. સ્થાનિક લોકોએ આ માહીતી આપતા જણાવ્યુ હતુ કે, ડિસેમ્બરના અંતિમ દિવસોમાં ચીની સૈનિકો લગભગ ર૦૦ મીટર સુધી ભારતીય સીમામાં ઘુસી ગયા હતા. તેઓ પોતાની સાથે રસ્તા બનાવવાના મશીનો પણ સાથે લાવ્યા હતા. જો કે જયારે ચીની સૈનિકો ઉપરના સીયાંગ જિલ્લામાં બોર્ડર સાથે જોડાયેલા એક ગામમાં પહોંચવાના હતા ત્યારે તેમને ભારતીય સૈનિકોએ અટકાવી દીધા હતા.

મળતા અહેવાલો મુજબ બંને દેશોના સૈનિકોમાં કોઇપણ પ્રકારની અથડામણ થઇ ન હતી. જો કે ચીની સૈનિકો રોડ બનાવવાનો સામાન ઘટનાસ્થળે જ છોડી ભાગી ગયા હતા. છેલ્લા કેટલાક સમયથી ચીન તરફથી રોડ બનાવવાના પ્રયાસો શરૂ થયા છે. ડોકલામ વિવાદ સમાપ્ત થયાને હજુ ચાર મહિના જ થયા છે. ડોકલામ એક ટ્રાઇ જંકશન છે. જયાં ભારત-ચીન અને ભુટાનની સરહદ મળે છે.

સ્થાનિક લોકોએ જણાવ્યુ હતુ કે, ભારતીય જવાનોએ ચીની સૈનિકોને બીસીંગ ગામ પાસે અટકાવી દીધા હતા. ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોનો રસ્તો રોકયો હતો અને બે ખોદકામના મશીનો સહિત તેમનો રોડ કન્સ્ટ્રકશનનો સામાન જપ્ત કર્યો હતો. મીડીયા રિપોર્ટ મુજબ આ ઘટના દસેક દિવસ પહેલાની છે. અત્રે એ નોંધનીય છે કે રરમી ડિસેમ્બરે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના યાંગ જીએચી બેઠકમાં સરહદ સહિત અનેક બાબતો અંગે ચર્ચા થઇ હતી.

(11:08 am IST)