મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd January 2018

આ વર્ષે રાજ્યસભામાં સૌથી મોટો પક્ષ બનશે ભાજપ

NDA પાસે આ વર્ષે ૯૮ બેઠકો થઇ જશેઃ BJPને ફાયદો થઇ રહ્યો છે ત્યારે કોંગ્રેસ ૪૭ બેઠકો પર આવી જશેઃ કોંગ્રેસ સાથે સમાજવાદી પાર્ટીને પણ નુકસાનઃ ૧૨ નોમિનેટેડ બેઠકમાં ૭ ભાજપ પાસે : કોંગ્રેસના હાથમાંથી જશે ૩ બેઠકો

નવી દિલ્હી તા. ૩ :  BJP માટે ૨૦૧૭નું વર્ષ ખુબ સારું રહ્યું અને આંકડા પર નજર નાંખશો તો ખ્યાલ આવશે કે વર્ષ ૨૦૧૮ પણ સારું રહેશે. કારણકે આ વર્ષે રાજયસભામાં ઘણા ફેરફાર જોવા મળશે. BJP આ વર્ષે ૨૪૫ બેઠકો ધરાવતી રાજયસભામાં પોતાની તાકાત મજબૂત કરતા ૬૭ બેઠકો સુધી પહોંચશે આ સાથે જ તે રાજયસભામાં સૌથી મોટી પાર્ટી બની જશે. જયારે બીજેપીના નેતૃત્વવાળી NDA પાસે આ વર્ષે ૯૮ બેઠકો થઈ જશે. BJPને ફાયદો થઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ ૪૭ બેઠકો પર આવી જશે.

BJPએ આ વર્ષે રાજયસભામાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, ઝારખંડ અને ઉત્તરાખંડને કારણે વધુ બેઠકો મળશે. આ રાજયોમાં BJPએ વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. જેની સામે કોંગ્રેસ છેલ્લા ૩ વર્ષથી સતત નબળી પડી રહી છે.

BJPની સહયોગી પાર્ટીની વાત કરીએ તો ટીડીપી આ વર્ષે પોતાની સ્થિતિ યથાવત રાખશે. જયારે જેડીયુ પાસે એક બેઠક ઘટી શકે છે. એટલે કે તેમની પાસે ૬ બેઠક રહેશે. વર્તમાનમાં આરજેડી પાસે રાજયસભામાં ત્રણ બેઠકો છે, જે આ વર્ષે વધીને પાંચ થઈ શકે છે. કોંગ્રેસની સાથે સમાજવાદી પાર્ટીને પણ રાજયસભામાં મોટું નુકસાન એટલે કે ૫ બેઠકોનું નુકસાન દેખાઈ રહ્યું છે.

આ તમામ આંકડા ૨૦૧૮માં યોજાનારા રાજયસભાની ઘણા રાજયોમાં પેટા ચૂંટણીના પરિણામોના અનુમાનને આધારે નક્કી કરવામાં આવ્યા છે. આ વર્ષે રાજયસભામાં ૪ બેઠક પર નોમિનેશન કરવામાં આવશે. ૧૨ નોમિનેટેડ બેઠકોમાંથી ૭ બેઠકો પર મોદી સરકારનો અધિકાર છે.

૧૬ જાન્યુઆરીના રોજ કોંગ્રેસના હાથમાંથી ત્રણ બેઠકો જઈ રહી છે. આ દિવસે રાજયસભામાં દિલ્હી ક્ષેત્રની ત્રણ બેઠકો ખાલી થઈ રહી છે. પાર્ટીના ત્રણ સભ્યો- ડો કર્ણ સિંહ, જર્નાદન દ્વિવેદી, પરવેઝ હાશમીનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે.

(9:59 am IST)