મુખ્ય સમાચાર
News of Saturday, 3rd December 2022

સેન્ટર ફોર મોનિટરીગ ઓફ ઈન્ડિયા નઇકોમીનો રિપોર્ટ ચિંતાજનક : દેશમાં બેરોજગારીનો દર વધીને 8 ટકા થયો

ત્રણ માહિનામાં સૌથી વધુ બેરોજગારીનો દર નોંધાયો :શહેરી ભારતમાં બેરોજગારી ગ્રામીણ વિસ્તારોમાં સરખામણીમાં વધુ

મુંબઈ: સંશોધન સંસ્થા CMIEએ ગુરુવારે જણાવ્યું હતું કે નવેમ્બરમાં દેશમાં બેરોજગારીનો દર વધીને આઠ ટકા થયો છે, જે ત્રણ મહિનામાં સૌથી વધુ છે.

‘સેન્ટર ફોર મોનિટરિંગ ઑફ ઈન્ડિયન ઈકોનોમી’ (CMIE) દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ નવેમ્બર મહિનામાં શહેરી ભારતમાં બેરોજગારી ગ્રામીણ વિસ્તારોની સરખામણીમાં વધુ હતી. શહેરી વિસ્તારમાં બેરોજગારીનો દર 8.96 ટકા હોવાનો અંદાજ હતો. જ્યારે ગ્રામીણ વિસ્તારમાં તે 7.55 ટકા હતો.

એક મહિના પહેલા ઓક્ટોબરમાં શહેરી બેરોજગારીનો દર 7.21 ટકા હતો, જ્યારે ગ્રામીણ બેરોજગારીનો દર 8.04 ટકા નોંધાયો હતો.

જો આપણે રાજ્યવાર આંકડાઓ પર નજર કરીએ તો નવેમ્બર દરમિયાન હરિયાણામાં 30.6 ટકા બેરોજગારી નોંધાઈ છે, જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે. રાજસ્થાનમાં બેરોજગારી 24.5 ટકા, જમ્મુ-કાશ્મીરમાં 23.9 ટકા, બિહારમાં 17.3 ટકા અને ત્રિપુરામાં 14.5 ટકા હતી.

સૌથી ઓછી બેરોજગારી છત્તીસગઢમાં હતી જ્યાં માત્ર 0.1 ટકા લોકો જ બેરોજગાર રહ્યા હતા. નવેમ્બરમાં ઉત્તરાખંડમાં આ આંકડો 1.2 ટકા, ઓડિશામાં 1.6 ટકા, કર્ણાટકમાં 1.8 ટકા અને મેઘાલયમાં 2.1 ટકા બેરોજગારી હતી.

CMIE ડેટા દર્શાવે છે કે ઓક્ટોબરમાં ભારતનો બેરોજગારી દર 7.77 ટકા હતો જ્યારે સપ્ટેમ્બરમાં આ આંકડો 6.43 ટકા હતો.

(8:01 pm IST)