મુખ્ય સમાચાર
News of Saturday, 3rd December 2022

આ મિનારા પર ભાઈ-બહેન સાથે નથી ચઢી શકતા!

મિનારાની અંદર રાવણ અને તેના પરિવારની તસવીરો લગાવવામાં આવેલી છે

નવી દિલ્‍હી,તા. ૩ : આપણો દેશ સંસ્‍કૃતિ અને વિવિધતાઓથી ભરપૂર છે અને અહીં સદીઓથી જાત-જાતની પરંપરા અને રીતિ-રિવાજો ચાલી આવ્‍યા છે. આજે આપણે અહીં વાત કરીશું આવી જ એક અજીબોગરીબ પ્રથા વિશે કે જયાં ભારતમાં આવેલા એક મિનારા પર ભાઈ-બહેન સાથે નથી ચઢી શકતા. આ મિનારા વિશે વિસ્‍તારથી વાત કરવાનીથાય તો તેનો સંબંધ દશાનન રાવણ સાથે છે અને તે ઉત્તર પ્રદેશના જાલૌન જિલ્લામાં આવેલો છે. આ મિનારાની અંદર રાવણ અને તેના પરિવારની તસવીરો લગાવવામાં આવેલી છે.

આ મિનારના નિર્માણની સ્‍ટોરી ખૂબ જ ઈન્‍ટરેસ્‍ટિંગ છે અને આ સ્‍ટોરી પ્રમાણે આ મિનારાનું નિર્માણ ૧૮૫૭માં મથુરા પ્રસાદ નામની વ્‍યક્‍તિ દ્વારા કરાવવામાં આવ્‍યું હતું. એવું કહેવાય છે કે મથુરા પ્રસાદે આ મિનાર રાવણની યાદમાં બનાવ્‍યો હતો. એટલે તેનું નામ ‘લંકા મિનાર' રાખવામાં આવ્‍યું છે.

હવે મથુરા પ્રસાદી પર્સનલ લાઈફ પર થોડું ફોકસ કરીએ તો તેઓ કલાકાર હતા અને તેઓ રાવણનું કેરેક્‍ટર ભજવવાનું વધારે પસંદ કરતાં હતા. રાવણે તેમના જીવન પર એટલી બધી ઊંડી છાપ છોડી હતી કે તેમણે રાવણની યાદમાં એક મિનારો બંધાવ્‍યો, જેના નિર્માણમાં ૨૦ વર્ષનો સમય લાગ્‍યો હતો.

૨૧૦ ઊંચા આ ટાવરની મેકિંગ સ્‍ટોરી જેટલી ઈન્‍ટરેસ્‍ટિંગ છે એટલું જ બીજું એક ઈન્‍ટરેસ્‍ટિંગ ફેક્‍ટ તેની સાથે જોડાયેલું છે અને આ ફેક્‍ટ પ્રમાણે ભાઈ-બહેન એકસાથે ઉપર નથી ચઢી શકતાં. આ પાછળનું કારણ એવું છે કે આ મિનારાની ટોચ પર પહોંચવા માટે ૭ પરિક્રમા પુરી કરવી પડે છે, જે ભાઈ અને બહેન પુરી કરી શકતા નથી, કારણ કે આપણે ત્‍યાં પતિ-પત્‍ની લગ્ન સમયે સાત ફેરા લઈને સાત જનમ સુધી એકબીજાનો સાથ આપવાનું વચન આપે છે. આ પરંપરાને કારણે ભાઈ અને બહેન એક સાથે ટાવરની ટોચ પર જઈ શકતાં નથી.

(11:05 am IST)