મુખ્ય સમાચાર
News of Friday, 3rd December 2021

સાંસદોના સસ્પેન્શન મુદ્દે સતત પાંચમા દિવસે વિપક્ષોના દેખાવો

શિયાળુ સત્રના પહેલા દિવસે ૧૨ વિપક્ષી સાંસદો સસ્પેન્ડ : ભાજપના સાંસદો પણ વિપક્ષના સાંસદો સામે દેખાવો કરવા માટે ગાંધી પ્રતિમા પાસે ઉતર્યા : સામ સામા આક્ષેપ

નવી દિલ્હી, તા.૩ :  સંસદના શિયાળુ સત્રના પહેલા દિવસે ૧૨ વિપક્ષી સાંસદોને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ સતત પાંચમા દિવસે વિપક્ષ દ્વારા દેખાવો ચાલુ રાખવામાં આવ્યા છે.

આજે પણ સંસદ પરિસરમાં આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમાની સામે વિપક્ષ દ્વારા સસ્પેન્શનના વિરોધમાં બેનરો અને પોસ્ટરો સાથે દેખાવો કરીને લોકતંત્રની હત્યા બંધ કરો...જેવા નારા પોકારવામાં આવ્યા હતા.

કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓનુ કહેવુ છે કે, જ્યાં સુધી સસ્પેન્શન પાછુ નહીં ખેચાય ત્યાં સુધી અમારા દેખાવો ચાલુ રહેશે.બીજી તરફ વિપક્ષે પોતાની રણનીતિમાં ફેરફાર કર્યો છે.વિપક્ષી પાર્ટીઓનુ કહેવુ છે કે, હવે રાજ્ય સભા અને લોકસભાની કામગીરી ખોરવાય નહીં તે રીતે સાંસદોના સસ્પેન્શન સામે વિરોધ ચાલુ રહેશે.સાથે સાથે સસ્પેન્ડ થયેલા સાંસદો ગાંધી પ્રતિમા પાસે ધરણા ચાલુ રાખશે.

બીજી તરફ આજે ભાજપના સાંસદો પણ વિપક્ષના સાંસદો સામે દેખાવો કરવા માટે ગાંધી પ્રતિમા પાસે ઉતર્યા હતા.

ભાજપના સાંસદોએ પણ વિપક્ષી સાંસદો સામે નારા પોકાર્યા હતા અને કહ્યુ હતુ કે, વિરોધ પક્ષ લોકશાહીના સિધ્ધાતોનુ પાલન કરી રહ્યો નથી.વિપક્ષી સાંસદોનુ ગૃહમાં વર્તન યોગ્ય નથી.ભાજપના નેતાઓએ આજે ફોટોગ્રાફ પણ રજૂ કર્યા હતા.જેમાં વિપક્ષી સાંસદો મારામારી કરતા નજરે પડ્યા હતા.

(7:40 pm IST)