મુખ્ય સમાચાર
News of Thursday, 3rd December 2020

પૂર્વ મુખ્યપ્રધાન બાદલે પદ્મ વિભૂષણ એવોર્ડ પાછો આપ્યો

ખેડૂતોના સમર્થનમાં હવે એવોર્ડ વાપસી શરૂ થઈ : સુખદેવ ઢીંઢસાએ પદ્મ ભૂષણ પાછું આપવા તેયારી બતાવી

નવી દિલ્હી, તા. ૩ : કૃષિ કાયદાની વિરૂદ્ધ દેશમાં ખેડૂતોનું આંદોલન વધી રહ્યું છે. તેની સાથ જ એવોર્ડ વાપસીનો સિલસિલો પણ શરૂ થઇ ગયો છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને સિનિયર અકાલી દળના નેતા પ્રકાશસિંહ બાદલે કૃષિ કાયદાના વિરોધમાં તેમનો પદ્મ વિભૂષણ એવોર્ડ પાછો આપી દીધો છે. પ્રકાશિ સિંહ બાદલ બાદ હવે અકાલી દળના નેતા રહેલા સુખદેવ સિંહ ઢીંઢસા એ પણ પોતાનું પદ્મ ભૂષણ સમ્માન પાછું આપવાની વાત કહી.

પ્રકાશસિંહ બાદલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લગભગ ત્રણ પાનાનો પત્ર લખ્યો હતો, જેમાં કૃષિ કાયદાઓનો વિરોધ કર્યો, ખેડૂતો પર કાર્યવાહીની નિંદા કરી અને તેમનું સન્માન પાછું આપવામાં આવ્યું.

પોતાનો પદ્મવિભૂષણ પાછો આપતા પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલે લખ્યું કે, 'હું એટલો ગરીબ છું કે મારી પાસે ખેડૂતો માટે બલિદાન કરવા માટે કશું જ નથી, હું જે પણ છું ખેડૂતોના લીધે છું. એવામાં જો ખેડૂતોનું અપમાન થઇ રહ્યું હોય તો કોઇપણ પ્રકારનું સમ્માન રાખવાનો કોઇ ફાયદો નથી.

પ્રકાશસિંહ બાદલે લખ્યું કે, જે પ્રકારની છેતરપિંડી ખેડૂતો સાથે કરવામાં આવી છે, તેનાથી તેઓને ઘણું નુકસાન થયું છે. ખોટા દ્રષ્ટિકોણથી જે રીતે ખેડૂત આંદોલનોને રજૂ કરવામાં આવી રહ્યા છે તે દુઃખદાયક છે.

આપને જણાવી દઇએ કે આની પહેલા પણ બાદલ પરિવાર દ્વારા કૃષિ કાયદાઓનો મોટો વિરોધ કરવામાં આવ્યો હતો. હરસિમરત કૌર બાદલે કેન્દ્રીયમંત્રી પદે પરથી રાજીનામું આપ્યું હતું અને કેન્દ્રના નવા કાયદાઓને ખેડૂતોની સાથે થયેલી મોટી છેતરપિંડી ગણાવી હતી. માત્ર એટલું જ નહીં અકાલી દળના એનડીએથી અલગ થયાની જાહેરાત કરીને સુખબીર બાદલે પંજાબની ચૂંટણીઓમાં એકલા લડવાની જાહેરાત કરી હતી.મહત્વનું એ છે કે અકાલી દળ પંજાબમાં કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહી છે. જોકે કેપ્ટન અમરિંદર સિંહ પણ અકાલી દળ પર પ્રહારો કરી રહ્યા છે અને તેમણે અકાલી દળને ઘેરી લીધી છે. અમરિંદરે આરોપ લગાવ્યો હતો કે જ્યારે આકાલી દળ કેન્દ્ર સરકારમાં સામેલ હતી ત્યારે આ કાયદો બનાવવામાં આવ્યો હતો, તો પછી ત્યારે વિરોધ કેમ નહોતો થયો.

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કાયદાઓનો વિરોધ સૌથી વધુ પંજાબમાં થઇ રહ્યો છે. છેલ્લા બે મહિનાથી પંજાબના ખેડૂતો રસ્તાઓ પર ઉતર્યા છે, પરંતુ હવે છેલ્લાં એક અઠવાડિયાથી દિલ્હીની કૂચ કરી છે. દિલ્હી-એનસીઆરના વિસ્તારોને ખેડૂતોએ સંપૂર્ણપણે ઘેરી લીધા છે અને અહીં છાવણી જમાવી દીધી છે.

(8:57 pm IST)