મુખ્ય સમાચાર
News of Thursday, 3rd December 2020

સેન્સેક્સમાં નજીવો વધારો, નિફ્ટી રેકોર્ડ ઊંચાઈ ઉપર

વૈશ્વિક સ્તરે મિશ્ર વલણ વચ્ચે સ્થાનિક બજારમાં તેજી : સેન્સેક્સમાં ૧૪.૬૧, નિફ્ટીમાં ૨૦.૧૫ પોઈન્ટ વધારો

મુંબઈ, તા. ૩ : વૈશ્વિક સ્તરે મિશ્ર વલણ વચ્ચે ઘરેલું શેરબજારો ગુરુવારે નજીવા સ્તરે બંધ થયા છે. એનએસઈ નિફ્ટી રેકોર્ડ સ્તરે બંધ થયા છે. ત્રીસ શેર્સ પર આધારિત બીએસઈ સેન્સેક્સ ટ્રેડિંગ દરમિયાન ૪૪,૯૫૩.૦૧ પર ગયો હતો. પાછળથી તે કંઈક અંશે નીચે આવી અને અંતે ૧૪.૬૧ પોઇન્ટ અથવા ૦.૦૩ ટકાના વધારા સાથે ૪૪,૬૩૨.૬૫ પોઇન્ટ પર બંધ થયો. ટ્રેડિંગ દરમિયાન નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ૧૩,૨૧૬.૬૦ પોઇન્ટ સુધી પહોંચી ગયો હતો. અંતે, તે ૨૦.૧૫ પોઇન્ટ અથવા ૦.૧૫ ટકાના વધારા સાથે ૧૩,૧૩૩.૯૦ પર બંધ રહ્યો છે. સેન્સેક્સ શેરોમાં મારુતિમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો. કંપનીનો શેર લગભગ ૭ ટકા વધ્યો. આ ઉપરાંત ઓએનજીસી, એશિયન પેઇન્ટ્સ, એનટીપીસી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બજાજ ફિનસર્વ અને ટાટા સ્ટીલ પણ સારી તેજી રહી. બીજી નુકશાનમાં રહેનારા શેરોમાં એચડીએફસી બેંક, ટીસીએસ, બજાજ ઓટો, ઇન્ફોસીસ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો સમાવેશ થાય છે. આનંદ રાઠીના ઇક્વિટી રિસર્ચના વડા નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, એશિયાના અન્ય બજારોમાં મિશ્ર વલણ વચ્ચે સ્થાનિક બજાર પણ સમાન રહ્યું હતું. વૈશ્વિક બજારોમાં કારોબાર ધીમો રહ્યો હતો. બપોરના વેપાર દરમિયાન બજારમાં થોડા સમય માટે ઘટાડો થયો હતો પરંતુ બાદમાં તે સકારાત્મક રેન્જમાં આવ્યો હતો. સેગમેન્ટ વાઇઝ, ધાતુઓ, નાણાકીય કંપનીઓ અને બેંકોના શેરો નફામાં હતા જ્યારે વાહન ક્ષેત્ર થોડું નુકસાન થયું હતું. અન્ય એશિયાઈ બજારોમાં, હોંગકોંગ, ટોક્યો અને સિઓલ લાભ સાથે બંધ થયા છે જ્યારે શાંઘાઇને નુકસાન થયું હતું. યુરોપમાં, મુખ્ય બજારોમાં પ્રારંભિક વેપારમાં ઘટાડો જોવા મળ્યો હતો. દરમિયાન વૈશ્વિક ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ વાયદો ૦.૬૮ ટકા વધીને ૪૭.૯૨ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો છે.

દરમિયાન ઇન્ટરબેંક વિદેશી વિનિમય બજારમાં ગુરુવારે સતત બીજા દિવસે પણ રૂપિયો તૂટી રહ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની પોલિસી મીટિંગના પરિણામ પહેલાં રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું હતું અને રૂપિયાના વિનિમય દર યુએસ ડોલર સામે ૧૨ પૈસા તૂટીને ૭૩.૯૩ (પ્રારંભિક આંકડો) ની સપાટીએ બંધ રહ્યો હતો. માર્કેટ વિશ્લેષકોએ જણાવ્યું હતું કે રોકાણકારોનું ધ્યાન ભારતની નાણાકીય નીતિ સમિતિની રિઝર્વ બેંકની ત્રણ દિવસીય વ્યાજ દર બેઠક પર છે. બુધવારે બેઠક શરૂ થઈ હતી, જેનો નિર્ણય શુક્રવારે આવવાનો છે.

ઇન્ટરબેંક વિદેશી ચલણ વિનિમય બજારમાં કારોબાર દરમિયાન રૂપિયામાં ભારે વધઘટ જોવા મળી હતી. રૂપિયો ૭૩.૮૧ પર ખુલ્યો છે. કારોબાર દરમિયાન રૂપિયો ૭૩..૬૮ ની ઊંચી સપાટીએ અને ૯૩.૯૫ ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. કારોબારના અંતે રૂપિયો ૧૨ પૈસા તૂટીને ૭૩.૯૩ ના પ્રતિ ડોલરના સ્તરે બંધ રહ્યો હતો. દરમિયાન, ડોલરની છ મુદ્રાઓની તુલનામાં ડોલર ઇન્ડેક્સ ૦.૧૨ ટકાના ઘટાડા સાથે ૯૧.૦૦ની સપાટીએ છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો કેપિટલ માર્કેટમાં ચોખ્ખા ખરીદદારો રહ્યા છે અને વિદેશી માહિતી અનુસાર બુધવારે ૩૫૭.૩૫ કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે.

(7:04 pm IST)