મુખ્ય સમાચાર
News of Thursday, 3rd December 2020

ખેડૂત નેતાઓએ સરકારની મહેમાનનવાજી સ્વીકારી નહીં :પોતાનું ભોજન મંગાવી ખાધુ

બેઠકમાં ખેડૂત નેતાઓ તરફથી કવિતા તાલુકદાર એકમાત્ર મહિલા: કવિતાના સવાલ અધિકારીઓને પરસેવા છોડાવ્યા

નવી દિલ્હી : દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સરકાર અને ખેડૂત નેતાઓની બેઠક ચાલી રહી છે. કૃષિ કાયદા પર સરકાર અને ખેડૂત નેતાઓની ચોથા તબક્કાની વાતચીતને 4 કલાકથી વધુ સમય થઇ ગયો છે. આ મેરેથોન બેઠક દરમિયાન લંચ બ્રેક પણ થયો હતો. આ દરમિયાન ખેડૂત નેતાઓએ સરકારની મહેમાનનવાજી સ્વીકારી નહતી અને પોતાનું ભોજન મંગાવીને ખાધુ હતું.

ખેડૂત નેતાઓ માટે ભોજન સિંધુ બોર્ડરથી સફેદ રંગની એમ્બ્યુલન્સમાં પેક થઇને આવ્યુ હતું. સિધુ બોર્ડર પર લાગેલા લંગરથી ખેડૂત નેતાઓ માટે ભોજન પહોચ્યુ હતું. ખેડૂત નેતાઓએ પહેલા જ મન બનાવી લીધુ હતું કે સરકારનું ભોજન નહી સ્વીકારે.

મહત્વપૂર્ણ છે કે કેન્દ્ર સરકારના કૃષિકાયદા વિરૂદ્ધ ખેડૂત 8 દિવસથી દિલ્હી બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂત કૃષિ કાયદાને પરત લેવાની માંગ કરી રહ્યા છે. બીજી તરફ સરકાર ખેડૂતોને સમજાવવામાં લાગી છે. સરકારનું કહેવુ છે કે કૃષિ કાયદો ખેડૂતોના પક્ષમાં છે.

આજની બેઠકમાં ખેડૂત નેતાઓ તરફથી કવિતા તાલુકદાર એકમાત્ર મહિલા છે. કવિતા એક સોશિયલ એક્ટિવિસ્ટ છે અને આ આંદોલનની સેન્ટ્રલ કોઓર્ડિનેશન કમિટીની મેમ્બર પણ છે. આ ચર્ચામાં ખેડૂત નેતાઓનું પ્રતિનિધિત્વ કરતા કવિતાએ જોરદાર દલીલ કરી હતી. બેઠકમાં કવિતાના સવાલોએ કૃષિ મંત્રાલયના પદાધિકારીઓના પરસેવા છોડાવ્યા હતા. કવિતા ઓલ ઇન્ડિયા ખેડૂત સંયુક્ત સમિતીના સભ્ય પણ છે. સરકારના જવાબ બાદ ખેડૂત નેતાઓએ પૂછ્યુ કે સરકાર અંતે કેમ ગોળ ગોળ ચક્રમાં ફરી રહી છે.

સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે વાતચીત 12 વાગ્યે શરૂ થઇ હતી. ખેડૂત તરફથી MSP પર પોતાની માંગ રાખવામાં આવી છે. ખેડૂતોએ પોતાની તરફથી 10 પાનાનો પત્ર પકડાવ્યો હતો.

(7:02 pm IST)