મુખ્ય સમાચાર
News of Thursday, 3rd December 2020

ઇન્‍ડોનેશિયાના બાલીના પૂર્વ ભાગના ‘સુંબા' ટાપુ ઉપર વિવાદીત પરંપરાઃ ગમતી છોકરીનું અપહરણ કરીને તેની સાથે લગ્ન કરી લેવાના

બાલી: ઈન્ડોનેશિયાના બાલીના પૂર્વ ભાગમાં આવેલા સુંબા નામના એક ટાપૂ પર અનેક પ્રાચીને પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી અહીંની એક વિવાદિત પરંપરા ચર્ચામાં છે. જેના કારણે ટાપુ પણ વિવાદમાં આવ્યો છે. આ પરંપરા છે, ગમતી છોકરીનું અપહરણ કરીને તેની સાથે લગ્ન કરવાની. સુંબામાં કોઈ શખ્સને કોઈ મહિલા પસંદ આવી જાય તો, તે તેનું અપહરણ કરી શકે છે અને આવા મામલામાં છોકરીએ અપહરણ કરનાર સાથે લગ્ન પણ કરવા પડે છે.

ઈન્ડોનેશિયાની આ પ્રથા પ્રમાણે, છોકરાના સંબંધીઓ તેની સાથે મળીને અપહરણ કરી લે છે અને તેને અપરાધની શ્રેણીમાં નથી રાખવામાં આવતું. જો કે આ લગ્નમાં મહિલાની મરજી તો પુછવામાં જ નથી આવતી અને આવા લગ્નોમાં મહિલાઓના ભવિષ્યને લઈને સજાવેલા સપનાઓ ચકનાચૂર થાય છે અને માનસિક રીતે તેને નકારાત્મક રીતે પ્રભાવિત કરે છે.

સુંબા ટાપુનો આ રિવાજ એક વીડિયો વાયરલ થયા બાદ ચર્ચામાં આવ્યો છે. જેમાં યુવતીનું અપહરણ કરવામાં આવે છે. આ ટાપૂ પર લગભગ સાડા સાત લાખ લોકો રહે છે. આ પ્રથા પર પ્રતિબંધ મુકવાની માનવાધિકાર સંગઠનો અને વીમેન રાઈટ ગ્રુપ માંગ કરી ચુક્યા છે. જો કે તેમ છતાં પણ સુંબાના કેટલાક વિસ્તારોમાં આ પરંપરા ચાલી રહી છે. જો કે આ વર્ષે બે મહિલાઓના અપહરણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ ઈન્ડોનેશિયાની સરકાર આ પ્રથાને ખતમ કરવા પર ધ્યાન દઈ રહી છે.

વીડિયોમાં એક 21 વર્ષની મહિલા હતી. જેને તેના અંકલના ઘરેથી ઉઠાવી લેવામાં આવી હતી. વીડિયોમાં મહિલા ખૂબ જ ચીસો પાડી રહી હતી પરંતુ તેને કિડનેપ કરનારા લોકો પર તેને કોઈ ફેર નહોતો પડ્યો. રિપોર્ટસ અનુસાર પહેલા આ મહિલાનો પરિવાર લગ્નની વિરુદ્ધમાં હતો પરંતુ છોકરાના પરિવારની સાથે વાત કર્ય બાદ આ મહિલાનો પરિવાર લગ્ન માટે રાજી થઈ ગયો હતો. આ સિવાય વધુ એક મહિલાનો વીડિયો વાયરલ થયો હતો જેમાં એક પરિણીત મહિલાનું અપહરણ કરવામાં આવ્યું હતું. જો કે મહિલાના પરિવારે તેના પર વાંધો ઉઠાવ્યો તો મહિલાને છોડી દેવામાં આવી કારણ કે તે પરિણીત હતી. આ મહિલાએ જણાવ્યું કે અપહરણ બાદ તેની સાથે યૌન શોષણની પણ ઘટના થઈ હતી.

આવા અપહરણની મોટા ભાગની ઘટનામાં મહિલાઓની પાસે ખાસ ઑપ્શન નહીં હોતા. કારણ કે તે લગ્નની ના પાડે તો સુંબા સમાજમાં ખરી-ખોટી સંભળાવવામાં આવે છે. લોકો આવી મહિલાઓને ખોટી ગણાવે છે અને તેમને ધુત્કારે છે. તેમને કહેવામાં આવે છે કે, તેમના ક્યારેય લગ્ન નહીં થયા. એવામાં અનેક મહિલાઓ આ જ ડરના કારણે લગ્ન નથી તોડી શકતી. રિપોર્ટ્સના પ્રમાણે, આ પ્રથાના કારણે બાળવિવાહની ઘટનાઓ પણ વધી રહી છે.

(4:21 pm IST)