મુખ્ય સમાચાર
News of Thursday, 3rd December 2020

રાષ્ટ્રસંત ડો. વસંત વિજયજી મ.સા.ની નિશ્રામાં ૮ દિવસીય ભૈરવ અષ્ટમી પર્વ શીબીરઃ જપ-હવન સાધના

ર૦ રાજયોના ગુરૂભકતો લાભ લઇ રહ્યા છે

ઇન્દોર : માતા પદ્માવતીના પરમ ઉપાસક, ભૈરવ દેવના સિધ્ધ સાધક, શ્રી કૃષ્ણગીરી શકિતપીઠાધીપતિ રાષ્ટ્રસંત પૂ. ડો. વસંત વિજયજી મ.સા.ની નિશ્રામાં ભૈરવ અષ્ટમી પર્વ શીબીરની શરૂઆત થઇ છે.

પૂ. વસંતગુરૂએ જણાવેલ કે ભૈરવ દેવની આરાધના કળીયુગમાં આ ધરા ઉપર દરેક સાંસરીક વ્યકિતને અનંત સુખ પ્રદાન કરનારી છે. ભૈરવદેવને ભગવાન શંકરના રૂદ્ર અવતાર માનવામાં આવે છે.

આઠ દિવસીય આયોજનના પ્રથમ દિવસે પૂ. વસંતવિજયજી મ.સા.એ ભગવાન ગણેશજીની પૂજા અને મંત્ર પુષ્પાંજલી દ્વારા ૧૦૮ નામોથી આહવાન કરેલ. અખંડ દીપ પ્રગટાવવામાં આવેલ. દિવ્ય કળશની સ્થાપના કરાયેલ.

આ શિબીરમાં દેશભરમાંથી લગભગ ર૦ રાજયોના ૧પ૦ થી વધુ ભાવિકોએ કોરોના નિયમો પાળવાની સાથે સામેલ થયા છે. દરમિયાન પહેલી વખત ભાગ લેનાર કોટાની મહિલાને પર્સમાંથી ચમત્કારીક સિકકો પણ મળેલ.

પૂ. ડો. વસંત વિજયજી મ.સા.એ વિધી વિધાન પૂર્વક ભૈરવનાથ દાદાનું આહવાન કરેલ. ઉપરાંત ૧૦૦૮ નામાવલીનું અલગ-અલગ પદાર્થો અને નૈવેધ ભોગ અર્પણ કરી હવનમાં આહુતિ આપી હતી.

શ્રી નાકોડા ભૈરવ દેવના ઐતિહાસિક ૨૧ ફૂટ ઉંચી પ્રતિમા સમક્ષ હવન સાધનમાં મધ્ય પ્રદેશ સહિત દેશના વિવિધ પ્રાંતોમાંથી ભાવિકો પધારેલ. આ પ્રસંગે પૂ. ગુરૂદેવે ભૈરવ દેવની ઉત્પતી, સાધના-આરાધના અને પરમાત્માની ભકિતના પ્રસંગોનો ઉલ્લેખ કરેલ.

પૂ. શ્રીએ જણાવેલ કે સાત્વીકતા અને એકાગ્રતાવાળી તથા અત્યંત આકરી સાધનાઓમાંથી એક ભૈરવ દેવની સાધના હોય છે. દેશ-દુનિયાના વિવિધ રોગ, દુઃખ, સંકટ મુકિત એવમ ભકતોની સુખ સમૃદ્ધિ અને કલ્યાણ માટે આ શિબિર યોજવામાં આવી છે.

(3:42 pm IST)