મુખ્ય સમાચાર
News of Thursday, 3rd December 2020

કિસાન આંદોલન બન્યું વધુ ઉગ્ર : દિલ્હીમાં પ્રવેશના પાંચમા બોર્ડર પોઇન્ટને સીલ કરવાની તૈયારી

દેશના સૌથી મોટા ટ્રક અને ટ્રાન્સપોર્ટ જાહેર કર્યો ટેકો

નવી દિલ્હી, તા. ૩ : દેશની રાજધાનીને ઉત્તર પ્રદેશ સાથે જોડતા પાંચમાં બોર્ડર પોઇન્ટને બંધ કરાવવા નવા કૃષિ કાનૂનનો વિરોધ કરતા ખેડૂતો ભેગા થઇ રહ્યા છે. આંદોલનકારી ખેડૂતોને ટેકો આપવા માટે દેશના સૌથી મોટા ટ્રક અને ટ્રાન્સપોર્ટરોના એસોસીએશન ઓલ ઇન્ડીયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે કહ્યું કે ૮ ડીસેમ્બરથી તેના સભ્યો એવા ઉત્તર ભારતના ટ્રક માલિકો પોતાના ટ્રકો થંભાવી દેશે, જો સરકાર ખેડૂતોની માંગણીઓ સંતોષવામાં નિષ્ફળ જશે તો..

દરમ્યાન, દિલ્હીની બોર્ડરો પર પોલીસની ભારે તૈનાતી છે, કોન્ક્રીટ બેરીયરો અને મલ્ટીલેયર્ડ બેરીયરો ગોઠવી દેવાઇ છે. લગભગ ૩ર જેટલી કિસાન સંસ્થાઓના આગેવાનોની મીટીંગ થઇ હતી અને કેન્દ્ર સાથે ચર્ચા કરવા માટે એક વિસ્તૃત નોટ તૈયાર કરાઇ છે.

ખેડૂતોએ કેન્દ્ર સરકારને લોકસભાનું એક ખાસ સત્ર બોલાવીને નવા કૃષિ કાનુનો રદ કરવાની માંગણી કરી છે. તેમણે દેશની રાજધાનીના અન્ય રસ્તાઓ બ્લોક કરવાની પણ ધમકધી આપી છે. ત્રણ કેન્દ્રીય પ્રધાનો સાથે મંગળવારે થયેલી ખેડૂત નેતાઓની મીટીંગ નિષ્ફળ નીવડી હતી. તેમની માંગણીઓ પર વિચારણા કરવા માટે એક નવી કમીટી બનાવવાના કેન્દ્રના સુચનને તેમણે ફગાવી દીધું હતું. જો કે બન્ને પક્ષો આજે ફરીથી વાટાઘાટો કરવામાં સહમત થયા હતાં.

(3:41 pm IST)