મુખ્ય સમાચાર
News of Thursday, 3rd December 2020

અયોધ્યામાં સરયુ નદીમાં શરૂ થશે રામાયણ ક્રુઝ

ક્રુઝની એન્ટ્રીનું ઇન્ટીરીયર રામચરીત માનસની થીમ પર રહેશે : પર્યાવરણને નુકસાન ન થાય તેવી હાઇબ્રીડ એન્જીન સિસ્ટમ્સ પણ લગાવાશે

અયોધ્યા : યોગી સરકાર અયોધ્યામાં સરયુ નદી પર રામાયણ ક્રુઝ શરૂ કરવા જઇ રહી છે. આ ક્રુઝ સેવામાં ભગવાન રામ સાથે જોડાયેલા કથા પ્રસંગોની યાદી અપાવવામાં આવશે. સરયુ નદીમાં આ પ્રકારની તે પહેલી લકઝરી ક્રુઝ સેવા હશે. આ ક્રુઝ સેવાનો ઉદેશ અયોધ્યા આવનારા પર્યટકો અને શ્રધ્ધાળુઓને એક દૈવીય યાત્રની યાદગાર અનુભૂતિ કરાવવાનો છે. આ દિશામાં બંદર, શિપીંગ પ્રધાન મનસુખ માંડવીયા, અહીંયા એક સમીક્ષા બેઠક પણ કરી ચૂકયા છે તેમણે આ સેવા શરૂ કરવા માટેની તૈયારીઓનું નિરીક્ષણ પણ કર્યું હતું.

આ ઉપરાંત રેલ્વે પણ અયોધ્યામાં ત્રણ સ્ટેશનોનો વિસ્તાર કરશે. આલિશાન ક્રુઝમાં કુલ ૮૦ સીટો હશે. ક્રુઝની એન્ટ્રીનું ઇન્ટીરીયલ રામચરિત માનસની થીમ પર હશે. તેમાં વૈશ્વિક માપદંડો અનુસારના સેફટી અને સીકયોરીટી ફીચર્સ હશે. ચાલતી ક્રુઝમાંથી ઘાટોને જોવા માટે ક્રુઝમાં લાંબી અને મોટી કાચની બારીઓ લગાવવામાં આવશે. એટલુ જ નહીં ક્રુઝમાં યાત્રીઓને સ્વાદિષ્ટ ભોજન પીરસવાની વ્યવસ્થા પણ કરાશે. ક્રુઝમાં બાયો ટોઇલેટ અને હાઇબ્રીડ એન્જીન સીસ્ટમ લગાવવામાં આવશે જેથી પર્યાવરણને પણ નુકસાન નહીં થાય.

રામ નગરીમાં વિકસીત થનાર ભવ્ય અયોધ્યા માટે ૨૮૦૦ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. તેનો પ્લાન ઉત્તરપ્રદેશ આવાસ વિકાસ પરીષદ તૈયાર કરી ચૂકી છે. તેમાં ભવ્ય અયોધ્યાને ધનુષાકાર રામાયણ કાલીન થીમ પર વિકસીન કરવાની છે. અત્યારે આવાસ વિકાસ વિભાગ માંઝા બરેહટા, માંઝા શાહનવાઝપુર, અને માંઝા તિહુરાના લગભગ ૫,૦૦૦ ખેડૂતો પાસેથી જમીન ખરીદવાની વાતચીત કરી રહ્યો છે.

(2:41 pm IST)