મુખ્ય સમાચાર
News of Thursday, 3rd December 2020

HDFC બેંકને નવા ક્રેડિટ કાર્ડ અને ડિજિટલ સેવા લોન્ચ ન કરવા RBIનો આદેશ

ઈન્ટરનેટ બેન્કિંગમાં વારંવાર સર્જાતી સમસ્યાને નિવારવા બેંકે નક્કર કામગીરી ના કરતા સખ્ત થઈ રીઝર્વ બેન્ક

મુંબઈ, તા.૩: RBIએ HDFC Bankને નવી ડિજિટલ બિઝને એકિટવિટી લોન્ચ ના કરવા તેમજ નવા ક્રેડિટ કાર્ડ ઈશ્યૂ ના કરવા માટે જણાવ્યું છે. HDFCના ઈલેકટ્રોનિક બેન્કિંગ સર્વિસમાં વારંવાર સર્જાતી ક્ષતિને ધ્યાનમાં લઈ મધ્યસ્થ બેંકે આ આદેશ આપ્યો છે. આ સાથે બેંકના બોર્ડને વારંવાર સર્જાતી આ ક્ષતિની તપાસ કરી તેના અંગેની જવાબદારી નક્કી કરવા માટે પણ તપાસ કરવા કહેવાયું છે.

દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેંક ગણાતી HDFCએ બુધવારે સ્ટોક એકસચેન્જને જણાવ્યું હતું કે RBIએ ૨ ડિસેમ્બરના રોજ આ આદેશ આપવામાં આવ્યો હતો. છેલ્લા બે વર્ષથી બેંકની ઈન્ટરનેટ બેન્કિંગ/મોબાઈલ બેન્કિંગ/પેમેન્ટ યુટિલિટીમાં સર્જાયેલી ક્ષતિને ધ્યાનમાં લેતા રિઝર્વ બેંકે આ આદેશ આપ્યો હતો.

તાજેતરમાં જ ૨૧ નવેમ્બરના રોજ HDFC બેંકની ડિજિટલ બેન્કિંગ સેવા ખોરવાઈ ગઈ હતી, જેના કારણે અનેક ગ્રાહકો પોતાના ઈન્ટરનેટ બેન્કિંગનો એકસેસ નહોતા કરી શકયા. બેંકે તેની પાછળનું કારણ આપતા જણાવ્યું હતું કે તેના એક મહત્વના ડેટા સેન્ટરમાં વીજળીનો પુરવઠો ખોરવાઈ જતાં આ સમસ્યા સર્જાઈ હતી.

છેલ્લા બે વર્ષમાં HDFC બેંકમાં આવી સમસ્યા અનેકવાર સર્જાઈ છે. જેની ગંભીર નોંધ લેતા RBIએ બેન્કને આપેલા આદેશમાં જણાવ્યું છે કે તે હંગામી ધોરણે તમામ પ્રકારની નવી લોન્ચ થનારી ડિજિટલ એકિટવિટીને મોકૂફ રાખે, કોઈ નવી એપ કે આઈટી એપ્લિકેશન લોન્ચ ના કરે તેમજ નવા ક્રેડિટ કાર્ડ ઈશ્યૂ ના કરે.

બેંકના ગ્રુપ આઈટી હેડ અને CIO મુનીષ મિત્તલે જુલાઈ ૨૦૨૦માં જ પોતાનું પદ છોડ્યું હતું, અને બેંકે રમેશ લક્ષ્મીનારાયણની તેમના સ્થાને નિમણૂંક કરી હતી. HDFC બેંકની ડિજિટલ સેવાઓમાં સર્જાતી ક્ષતિ દ્યણીવાર સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બને છે. જેમાં સર્વર ડીલેથી માંડીને ઓટીપી આવવામાં મોડું થવા જેવી બાબતો પણ સામેલ છે.

બેંકે આ અંગે આપેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે તેણે પોતાની આઈટી સિસ્ટમને દુરસ્ત કરવા માટે અનેક પગલાં લીધા છે, અને આગામી સમયમાં પણ તે તેમાં સુધારા ચાલુ રાખશે. જોકે, આ મામલે RBIએઆટલું કડક પગલું લીધું હોય તેવી આ પહેલી ઘટના છે. ઉલ્લેખનીય છે કે, HDFC બેંકના ૯૦ ટકા જેટલા ટ્રાન્ઝેકશન ડિજિટલી જ થાય છે.

(3:43 pm IST)