મુખ્ય સમાચાર
News of Thursday, 3rd December 2020

વિરારની બાળાને રાજકોટ તરફ ભગાડી લાવેલા શખ્સને પકડી લેવામાં આવ્યો

મુળ રાજસ્થાનની બાળા હાલ પરિાવર સાથે મુંબઇ વિરારમાં રહે છેઃ મહારાષ્ટ્ર સુવર્ણકાર સરાફા એસો.એ પોલીસને મદદ કરી

મુંબઇ તા. ૩: હાલ મુંબઇ રહેતાં મુળ રાજસ્થાનના પરિવારની એક  સગીર વયની બાળાને એક યુવક ગુજરાત-રાજકોટ તરફ લઈ ગયો હોવાની જાણ થતાં મહારાષ્ટ્ર સુવર્ણકાર એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ ભંવર મહેતાએ મીરા ભાઇંદર વસઇ-વિરાર પોલીસ કમિશનરેટમાં ફરિયાદ કરતાં અને ભગાડી જનાર શખ્સ રાજકોટ તરફના ગામમાં હોવાની માહિતી શોધી પોલીસને મદદ કરતાં પોલીસે રાજકોટ તરફ પગેરૂ દબાવી ભગાડી જવાયેલી બાળાને મુકત કરાવી આરોપીને સકંજામાં લીધો હતો.

આ ઘટનામાં પોલીસે સ્થાનિક જવેલર્સ અસોસિએશનની મદદથી ૪૮ કલાકમાં બાળાને શોધીને તેના પરિવારને સોંપી હોવાનું જાણવા મળ્યું છે. આરોપી યુવક કિશોરીને ગુજરાતમાં રાજકોટ પાસેના ગામમાં લઈ ગયો હોવાની જાણ થતાં તેના મોબાઇલને ટ્રેસ કરીને પોલીસે આ મામલો સોલ્વ કર્યો હતો.

હાલ વિરારમાં રહેતા મૂળ રાજસ્થાનના પરિવારની ૧૫ વર્ષની કિશોરીની પાડોશમાં રહેતા એક યુવાન સામે ભગાડી જવાની ફરિયાદ નોંધાવાઇ હતી. આરોપી આ બાળાને રાજકોટ તરફ ભગાડી ગયાની જાણ સુવર્ણકાર સરાફા અસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ ભંવર મહેતાએ કરતાં કમિશનર સદાનંદ દાતેએ વિરાર પોલીસ સ્ટેશનની ટીમને તાત્કાલિક ધોરણે કિશોરીને શોધવાનો નિર્દેશ કરતા વિરાર પોલીસની ટીમે કિશોરી તથા તેને ભગાવી જનારા યુવકના મોબાઇલ નંબર ટ્રેસ કરીને તેઓ રાજકોટ પાસેના ગામમાં હોવાની માહિતી મેળવી હતી. પોલીસે એ ગામમાં પહોંચીને બાળાનો છુટકારો કરાવ્યો હતો અને આરોપીની ધરપકડ કરી હતી.

(12:44 pm IST)