મુખ્ય સમાચાર
News of Thursday, 3rd December 2020

ચીનનાં ચાંગ-5 યાને ચંદ્રની રંગીન તસ્વીરો પણ મોકલી:ડ્રિલિંગ કરીને રેત-ખડકોના સેમ્પલ લીધા

ચાંગ-5 કુલ મળીને બે કિલોગ્રામ જેટલા સેમ્પલ લઈને પૃથ્વી પર પરત ફરશે

નવી દિલ્હી : : ચીનનું ચાંગ-5 રોબોટિક અવકાશયાને ચંદ્રની સપાટી પરથી ઉતરાણ કર્યા બાદ ડ્રિલિંગ કરીને રેત-ખડકોના સેમ્પલ લીધા હતા. આ પછી યાનના રોબોટિક હાથ વડે પણ સપાટી પરથી વિવિધ સેમ્પલ લઈને તેને કન્ટેનરમાં સીલ કરવામાં આવ્યા હતા.આ સાથે 1970ના દશક બાદ પહેલી વખત ચંદ્રની રેત-ખડકોના સેમ્પલ લેવામાં આવ્યા હોય તેવી ઘટના નોંધાઈ હતી. ચાંગ-5 કુલ મળીને બે કિલોગ્રામ જેટલા સેમ્પલ લઈને પૃથ્વી પર પરત ફરશે. વધુમાં તેણે ચંદ્રના રંગીન ફોટા પણ મોકલ્યા છે.

મિશનની સફળતા અંગે નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતુ કે, અમારૂ માનવરહિત યાન ચાંગ-5 ચંદ્રના એ વિસ્તારમાં ઉતર્યું હતુ, જ્યાં પૂર્વે કોઈ પણ દેશનું મિશન પહોંચ્યું નહતુ. આ વિસ્તારને ઓસેનિયસ પ્રોસેલ્લારૂમ (તોફાનોના મહાસાગર) તરીકેની ઓળખ આપવામાં આવી છે. પૃથ્વી પરથી ઉડાન ભરવાની સાથે કુલ 112 કલાકનો પ્રવાસ ખેડીને ચંદ્ર પર પહોંચ્યું હતુ.

ચંદ્રની સપાટી પર ઉતર્યા બાદ યાને સૌપ્રથમ સપાટી પર ડ્રિલિંગ કરીને સેમ્પલ એકઠા કર્યા હતા અને તેને પરોઢે 4:53 વાગ્યે સીલ કર્યા હતા. ચીનની ચંદ્રની દેવી પરથી આ યાનનું નામ ચાંગ-5 રાખવામાં આવ્યું છે. મિશનના ડેપ્યુટી ચીફ ડિઝાઈનરે કહ્યું કે, અમે બે પ્રકારે ચંદ્ર પરથી સેમ્પલ એકઠા કરવાનું નક્કી કર્યું હતુ અને તે અનુસાર પ્રોગ્રામિંગ કરવામાં આવ્યું છે.

સેમ્પલ એકઠા કરવાની કામગીરી પૂર્ણ કર્યા બાદ ચાંગ-5 ચાલુ મહિને જ મોંગોલિયન વિસ્તારમાં ઉતરાણ કરશે, તેમ નાસાએ જણાવ્યું હતુ. જો આ યાન સફળતાપૂર્વક પૃથ્વી પર આવશે તો ચીન અમેરિકા અને સોવિયત યુનિયન બાદ ચંદ્ર પરથી સેમ્પલ પૃથ્વી પર લાવનારો ત્રીજો દેશ બની જશે.

(12:31 pm IST)