મુખ્ય સમાચાર
News of Thursday, 3rd December 2020

૨૫મી એપ્રિલે વાજતે ગાજતે યોજાશે ઓસ્કર એવોર્ડ સમારોહ

. કોરોનાની મહામારી ઓસ્કર એવોર્ડ સમારોહને પણ નડી છે. એકેડેમી ઓફ મોશન આર્ટસ એન્ડ સાયન્સિસ (એએમપીએએસ)ના પ્રતિનિધી અને ચેનલ એબીસીએ જણાવ્યા મુજબ આ વખતે ઓસ્કર સમારોહ એક વ્યકિતગત ટેલિકાસ્ટ હશે. આ સાથે વાર્ષિક સમારોહ વર્ચ્યુઅલ હશે તેવી અટકળો ઉપર પણ પુર્ણવિરામ મુકાઇ ગયું છે. કોરોના વાયરસને કારણે આ વર્ષે ઓસ્કર સમારોહનું આયોજન બે મહિના પાછુ ઠેલવી દેવામાં આવ્યું છે.

આ પહેલા એવી અટકળો થઇ રહી હતી કે આ વર્ષે ઓસ્કર સમારોહ નહિ યોજાય અને યોજાશે તો તેનું વર્ચ્યુઅલ પ્રસારણ થશે. જો કે હવે બે મહિના આ સમારોહને પાછળ ઠેલી દઇ જે તારીખ નક્કી કરવામાં આવી છે તે ૨૫ એપ્રિલ-૨૦૨૧ હોવાનું સામે આવ્યું છે. આ સમારોહ દર વર્ષની જેમ વાજતે ગાજતે યોજવાનું આયોજન કરાયું છે. ફિલ્મોની પાત્રતા વિન્ડોને ફેબ્રુઆરી-૨૮ સુધી ખુલ્લી રાખવામાં આવી છે. વધુ ફિલ્મો ઓસ્કર માટે નોમિનેશનમાં મોકલાય તેવી જ્યુરીને આશા છે. જો કે હાલ સિનેમા હોલ બંધ રહે તો પણ આયોજકો ઓસ્કર એવોર્ડ સમારોહ યોજવા મક્કમ હોવાનું કહેવાય છે. લોસ એન્જલસમાં ૩૪૦૦ બેઠકોની ક્ષમતા ધરાવતાં ડોલ્બી થિએટરની અંદર કેટલા લોકોને એન્ટ્રી અપાશે, મંજુરી અપાશે? તે પણ હજુ અનિશ્ચીત છે. દર વર્ષે અહિ જ પરંપરાગત રીતે આ સમારોહ યોજાય છે.

(11:27 am IST)