મુખ્ય સમાચાર
News of Thursday, 3rd December 2020

નોર્થ બ્લોકમાં મીડીયા પર પ્રતિબંધઃ પત્રકારો નાણા અને ગૃહ મંત્રાલયમાં જઈ નહિ શકે

૧લી ડીસેમ્બરથી ફેબ્રુઆરી સુધી મનાઈ ફરમાવવામાં આવી

નવી દિલ્હી, તા. ૩ :. કેન્દ્ર સરકારે નોર્થ બ્લોકમાં મીડીયાને જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. નોર્થ બ્લોકમાં નિર્મલા સિતારામન, અમિત શાહ સહિત અનેક પ્રધાનોના મંત્રાલય જઈ નહિ શકે પીઆઈબી કાર્ડ ધારક પત્રકારો આવુ પહેલીવાર બન્યુ છે કે જ્યારે સરકારે બીઆઈબી કાર્ડધારક પત્રકારોને એન્ટ્રી પર મનાઈ ફરમાવી છે. સરકારે આ માટે બજેટ બનાવવાના કામનો હવાલો આપ્યો છે. આ પહેલા આવો પ્રતિબંધ ફકત નાણા મંત્રાલય સુધી જ સીમીત રહેતો હતો, પરંતુ ગયા સપ્તાહે જારી આદેશ અનુસાર નોર્થ બ્લોકમાં પીઆઈબી કાર્ડ ધારકોને પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. નોર્થ બ્લોકમાં નાણા મંત્રાલયની સાથે ગૃહ મંત્રાલય અને મીનીસ્ટ્રી ઓફ પર્સનલ એન્ડ ટ્રેનીંગ પણ છે. ફેબ્રુઆરીના અંત સુધી નાણા ઉપરાંત અન્ય બે મંત્રાલયોમાં પણ પત્રકારો જઈ નહિ શકે.  પીઆઈબી માન્યતા માટે એક પ્રકારે ઓછામાં ઓછા ૫ વર્ષ સુધી ફુલટાઈમ પત્રકારત્વનું કામ કરવુ પડે છે. આ માન્યતા પ્રાપ્ત પત્રકારો રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને અન્ય પ્રધાનોના કાર્યક્રમોમાં સામેલ થઈ શકે છે. સિનીયર પત્રકારો પોતાના પરિવાર સાથે કાર્યક્રમોમાં ભાગ લઈ શકે છે. તેઓને રાહત દરે હેલ્થ સર્વિસનો પણ ફાયદો મળે છે. મંત્રાલયમાં તેમને આવવા જવા માટે કોઈપણ પ્રકારના રેકોર્ડની જરૂરીયાત રહેતી નથી.
 

(11:25 am IST)