મુખ્ય સમાચાર
News of Thursday, 3rd December 2020

ખેડૂતોને ટ્રાન્સપોર્ટરોનો સાથઃ ખાવા- પીવાની વસ્તુઓ થઈ શકે છે મોંઘી

નવા કૃષિ કાયદાનો પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના કેટલાક કિસાનો સતત વિરોધ કરી રહ્યા છે

નવી દિલ્હી ,તા. ૩: નવા કૃષિ કાયદાનો પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના કેટલાક કિસાનો સતત વિરોધ કરી રહ્યા છે. દિલ્હી અને હરિયાણાની સિંધૂ અને ટિકરી સરહદ પર મોટી સંખ્યામાં કિસાન એકઠા થયા છે. હવે ખેડૂતોને ટ્રાન્સપોર્ટરનો સાથ પણ મળ્યો છે. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે (AIMTC) જાહેરાત કરી છે કે દેશના ટ્રાન્સપોર્ટરો એકજુટ થઈને આ ખેડૂતોનું સમર્થન કરે છે. સાથે AIMTCએ ધમકી આપી છે કે જો સરકાર ખેડૂતોની માંગણીને નહીં માને તો ઉત્તર ભારતથી માલની અવરજવર ઠપ કરી દેવામાં આવશે. જો આમ છતા સરકાર નહીં માને તો આખા ભારતમાં ટ્રાન્સપોર્ટ સેવા ધીરે-ધીરે ઠપ કરી દેવામાં આવશે.

 

પંજાબ અને દિલ્હી-હરિયાણા સરહદ પર ચાલી રહેલા કિસાન આંદોલનથી શાકભાજી, ફળો અને ખાદ્ય સામગ્રી સાથે દ્યણા જરૂરી સામાનોનું ટ્રાન્સપોર્ટેશન બાધિત થયું છે. પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરની દેશના અન્ય ભાગો પર ટ્રાન્સપોર્ટેશનની ખરાબ અસર પડી છે. આ ક્ષેત્રોમાં ૬૫ ટકા ખાદ્યાનો આવે છે. જેના પર આંદોલનની સીધી અસર પડી છે. સફરજન, બટાકા, ડુંગળી સહિત લીલા શાકભાજીના માલની અવરજવર ઠપ હોવાથી ઉત્તર ભારત સહિત દેશભરમાં મોંદ્યવારી વધી રહી છે. આ સિવાય દૂધ અને દવાઓનું ટ્રાન્સપોર્ટેશન પણ પ્રભાવિત થયું છે.

કિસાન આંદોલનની અસર એ છે કે ઉત્તર ભારત સહિત આખા દેશમાં ફળો અને શાકભાજીના ભાવ આસમાને છે. દિલ્હીમાં બટાકા ૫૦ રૂપિયા પ્રતિ કિલો, ટમાટા ૪૦-૫૦ રૂપિયા પ્રતિ કિલો અને સફરજન ૮૦-૧૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચી ગયા છે. જો કિસાન આંદોલન યથાવત્ રહેશે તો આવનાર દિવસોમાં શાકભાજી અને ફળોની સાથે-સાથે અનાજની કિંમતમાં પણ વધારો થશે.

(10:50 am IST)