મુખ્ય સમાચાર
News of Thursday, 3rd December 2020

રાજકોટમાં ૬ મોતઃ નવા ૩૦ કેસ

શહેરમાં કુલ કેસનો આંક ૧૧, ૧૫૯એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં કુલ ૧૦,૧૮૮ દર્દીઓએ સાજા થતા રિકવરી રેટ ૯૧.૫૪ ટકા થયોઃ હાલ ૯૨ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન કાર્યરતઃ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૧૮૭૧ બેડ ખાલી

રાજકોટ, તા. ૩: શહેર અને જીલ્લામાં  વેશ્વિક મહામારી કોરોનાથી  આજે  વધુ ૬  દર્દીનાં મોત થયા છે. જયારે શહેરમાં બપોર સુધીમાં ૩૦ કેસ નોંધાયા છે.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે  કોરોનાથી એક  દર્દીનું મૃત્યુ થયુ છે.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૨નાં સવારે ૮ વાગ્યાથી તા.૩ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૬ દર્દીઓએ દમ તોડી દીધા હતો.

તંત્રની સતાવાર યાદીમાં કોવીડ- નોન કોવીડ થી શહેર-જીલ્લામાં ૬નાં મૃત્યુ જાહેર થયા છે. જયારે તે જ યાદીમાં સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે કોરોનાથી ૧૦  પૈકી એક   મૃત્યુ થયુ છે.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૧૮૭૧ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૩૦ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૧,૧૫૯  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૦,૧૮૮ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૯૧.૫૪ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૩૬૧૮ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૧૦૮  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૯૮ ટકા થયો  હતો. જયારે ૮૬ દર્દીઓને સાજા થયા હતા.

આજ દિન સુધીમાં ૪,૪૫,૮૫૩ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૧,૧૫૯ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૪૯ ટકા થયો છે.

નવા ૧૦ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં  ગઇકાલે ગરબી ચોક- રામનાથ પરા, પૂજારા પ્લોટ-ભકિતનગર પાસે, લક્ષ્મી સોસાયટી-નાના મૌવા રોડ, આસોપાલવ સોસાયટી- કોઠારિયા રોડ, માધવ પાર્ક-૧૫૦ ફુટ રીંગ રોડ, માસ્તર સોસાયટી-સોરઠીયા વાડી પાસે, સમર્થ ટાવર-અક્ષર માર્ગ, જસાણી પાર્ક- એરપોર્ટ રોડ, સુભાષ નગર-રૈયા રોડ, બંસી એપાર્ટમેન્ટ - સર્વેશ્વર ચોક સહિતના નવા  ૧૦ વિસ્તારોમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જયારે હાલમાં ૯૨ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત છે.

૫૦ હજાર ઘરોનો સર્વેઃ માત્ર ૧૫૪ લોકોને તાવ-શરદી-ઉધરસના લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૪૯,૯૦૬ ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૧૫૪ વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.   જ્યારે વિવિધ વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૧૦,૩૧૦ લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

(3:13 pm IST)