મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd December 2019

ટ્રેડ વોરની દહેશત વચ્ચે સેંસેક્સ ૧૨૭ પોઇન્ટ ગગડીને અંતે બંધ

રિઝર્વ બેંક દ્વારા વ્યાજદરમાં વધુ કાપને લઇને પણ ચર્ચાઓ : બજાજ ઓટોના શેરોમાં સૌથી વધુ ત્રણ ટકાથી વધુનો ઉછાળો રહ્યો : નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં સૌથી વધુ ૩ ટકા સુધીનો ઉલ્લેખનીય ઘટાડો રહ્યો

મુંબઈ, તા.૩ : રિઝર્વ બેંક દ્વારા વ્યાજદરમાં વધુ કાપ મુકવાને લઇને અપેક્ષાઓ અને ટ્રેડ વોરને લઇને નવેસરની દહેશત વચ્ચે શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૧૨૭ પોઇન્ટ ઘટીને ૪૦૬૭૫ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૫૪ પોઇન્ટ ઘટીને ૧૧૯૯૪ની નીચી સપાટીએ રહ્યો હતો. પાંચ કારોબારી સેશન બાદ નિફ્ટીએ ૧૨૦૦૦ની સપાટી ગુમાવી દીધી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં સૌથી વધુ ત્રણ ટકાનો ઘટાડો રહ્યો હતો જ્યારે નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૨.૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. નિફ્ટી રિયાલીટી ઇન્ડેક્સમાં ૧.૩૫ ટકાનો સુધારો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં એસએન્ડપી બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ઘટાડો રહેતા કારોબારના અંતે તેની સપાટી ૧૪૮૨૪ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૦.૭ ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૪૧૧ રહી હતી. એશિયન શેરબજારમાં પણ આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું.

          વિદેશી મૂડીરોકાણકારોએ નવેમ્બર મહિનામાં સતત ત્રીજી વખત રોકાણકારોએ નાણા ઠાલવી દીધા છે. આ મહિનામાં નેટ આધાર પર ૨૨૮૭૨ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. એફપીઆઈ દ્વારા નવેમ્બરમાં ઇક્વિટીમાં ૨૫૨૩૦ કરોડ રૂપિયાની રકમ ઠાલવી દીધી છે. જો કે, ડેબ્ટના સેગ્મેન્ટમાંથી આ ગાળા દરમિયાન ૨૩૫૮.૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. ઓક્ટોબર મહિનામાં આઠ કોર સેક્ટરના આઉટપુટમાં ઘટાડો થતાં નિરાશા રહી હતી. કોલસાના ઉત્પાદનમાં ઓક્ટોબર મહિનામાં ૧૭.૬ ટકાનો ઘટાડો રહ્યો હતો. ક્રૂડ ઓઇલની કિંમતમાં ૫.૧ ટકાનો અને નેચરલ ગેસમાં ૫.૭ ટકા સુધીનો નોંધપાત્ર ઘટાડો થઇ ચુક્યો છે. આવી જ રીતે સિમેન્ટના ઉત્પાદનમાં ૭.૭ ટકા, સ્ટીલમાં ૧.૬ ટકા અને ઇલેક્ટ્રીસિટીમાં ૧૨.૪ ટકા સુધીનો ઘટાડો ઓક્ટોબર મહિના દરમિયાન થઇ ચુક્યો છે.

              રિફાઈનરી પ્રોડક્ટના ઉત્પાદનમાં ગ્રોથ ઓક્ટોબર મહિનામાં ૦.૪ ટકા સુધી ઘટી ગયો છે. ગયા વર્ષે આજ ગાળામાં રિફાઈનરી પ્રોડક્ટમાં આઉટપુટ ગ્રોથનો આંકડો ૧.૩ ટકા રહ્યો હતો. આઠ કોર સેક્ટરમાં ઓક્ટોબર ૨૦૧૮માં ૪.૮ ટકા સુધીનો વધારો નોંધાયો છે.એપ્રિલ-ઓક્ટોબરના ગાળા કોર ઇન્ડસ્ટ્રી ગ્રોથ ૦.૨ ટકા ઘટીને એક વર્ષ અગાઉના ગાળામાં ૫.૪ ટકાની સામે હવે ૦.૨ ટકા રહ્યો છે. ૮ કોર સેક્ટર ઇન્ડસ્ટ્રીમાં આઉટપુટ સપ્ટેમ્બર મહિનામાં ૫.૧ ટકા સુધી ઘટી ગયો હતો. એક દશકમાં આ સૌથી નીચી સપાટી જોવા મળી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો આજે ભારે ઉથલપાથલનો દોર રહ્યો હતો. ઇન્ટ્રા ડે દરમિયાન સેંસેક્સ એક વખતે ૪૦૫૫૪ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો.

(7:49 pm IST)