મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd December 2019

એસીજી કવર માત્ર વડાપ્રધાન માટે છે : અમિત શાહનો દાવો

ત્રણ સભ્યોની સુરક્ષામાં પણ એજ જવાનો છે : સલામતી સાથે બાંધછોડ માટેના આરોપો આધારવગરના

નવીદિલ્હી, તા. ૩ : ગાંધી પરિવારની સુરક્ષામાં જે જવાનો તૈનાત કરવામાં આવ્યા છે તે જવાનો કોઇ સમયે એસપીજીમાં રહી ચુક્યા છે તેવો દાવો કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહયું હતું કે, સુરક્ષા સાથે બાંધછોડ કરવાના આક્ષેપ આધારવગરના છે. તેમણે કહ્યું હતું કે, એસપીજીમાં ૩૩ ટકા બીએસએફમાંથી, ૩૩થી ૩૪ ટકા સીઆરપીએફમાંથી, ૧૭ ટકા જેટલા જવાન સીઆઈએસએફમાંથી, નવ ટકાથી વધુ જવાન આઈટીબીટીમાંથી અને એક ટકા જવાનો અન્ય રાજ્યોની પોલીસમાંથી આવે છે. પાંચ વર્ષના ગાળા બાદ તેમને સંગઠનમાં ફરી મોકલી દેવામાં આવે છે. ગાંધી પરિવારની ત્રણ સભ્યોની સુરક્ષામાં એજ જવાનોને મુકવામાં આવ્યા છે જે કોઇ સમયે એસપીજીમાં સામેલ રહી ચુક્યા છે. એસપીજી કવર માત્ર વડાપ્રધાન માટે જ છે અને તેમના માટે જ રહે તે જરૂરી છે. રાજકીય બદલાની ભાવનાથી કોઇ કામ થઇ રહ્યા નથી. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના સભ્યો ખુબ વધારે ઇમોશનલ થઇ ગયા છે અને એવા આક્ષેપ કરી રહ્યા છે કે, સુરક્ષા સાથે રમત રમાઈ રહી છે. આ દેશમાં માત્ર ગાંધી પરિવારની સુરક્ષા શક્ય નથી.

(7:44 pm IST)