મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd December 2019

સીનિયર સીટીઝનને રેલ્વે કન્સેશન બંધ કરવાની ભલામણ

કેગના રિપોર્ટમાં કેન્સર પેશન્ટ, દિવ્યાંગ સહિતના કન્સેશનો બંધ કરવા કહેવાયું

નવી દિલ્હી, તા. ૩ : કન્ટ્રોલર અને ઓડીટર જનરલ (કેગ) એ ગઇકાલે રેલ્વેને ભલામણ કરી છે કે, સીનિયર સીટીઝનોને મુસાફરીમાં છૂટછાટ ન આપવામાં આવે. કેગના રિપોર્ટમાં કેન્સરના દર્દીઓ, દિવ્યાંગો સહિત અન્ય યાત્રીઓને આવી છૂટછાટ ન આપવાનું કહેવાયું છે. રેલ્વે અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા ખાસ મુસાફરી પાસના દૂરૂપયોગ પર અંકુશ ન મૂકી શકવા બાબતે રેલ્વે બોર્ડ સામે નારાજગી વ્યકત કરવામાં આવી છે.

ભારતીય રેલ્વેનું પરિચાલન અનુપાત (ઓઆર) ર૦૧૭-૧૮ના નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮માં ૯૮.૪૪ ટકા નોંધવામાં આવ્યું હતું જે છેલ્લા દસ વર્ષોમાં સૌથી ખરાબ છે. સીએજીના રિપોર્ટમાં આ વાત બહાર આવી છે. રેલ્વેમાં આ પરિચાલન અનુપાતનો અર્થ એવો છે કે રેલ્વે એ ૧૦૦ રૂપિયા કમાવા માટે ૯૮.૪૪ રૂપિયાનો ખર્ચ કર્યો. રિપોર્ટ અનુસાર, ભારતીય રેલનું પરિચાલન નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮માં ૯૮.૪૪ ટકા થવાનું મુખ્ય કારણ ગયા વર્ષના સંચાલન ખર્ચ ૭.૬૩ની સરખામણીમાં ૧૦.ર૯ ટકા થવાનું છે.

કેગના રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી છે રેલવેએ આંતરિક ભંડોળ વધારવાના ઉપાયો કરવા જોઇએ જેથી બજેટના સંસાધનો પર આધારીત ન રહેવું પડે.

(3:51 pm IST)