મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd December 2019

ભાજપે રાજ્યમાં સ્થિર શાસન આપ્યું છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કરેલો દાવો

ઝારખંડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઝંઝાવતી ચૂંટણી પ્રચાર : કોંગ્રેસ અને જેએમએમ ઉપર આકરા પ્રહારો : પહેલા તો મુખ્યમંત્રીપદની ખુરશી સુધીના સોદાબાજી થઇ જતી હતી

જમશેદપુર, તા. ૩  : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચારનો દોર જારી રાખ્યો હતો. ભાજપના ઉમેદવારના સમર્થનમાં જમશેદપુરમાં આયોજિત રેલીમાં પ્રદેશની અગાઉની સરકારો ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ઝારખંડમાં પહેલા એટલી ઝડપથી સિઝનમાં પણ ફેરફાર થતો ન હતો જેટલી ઝડપથી મુખ્યમંત્રી બદલાઈ જતાં હતા. કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચા આના માટે જવાબદાર હતા. કોંગ્રેસ અને જેએમએમના તકવાદી ગઠબંધનના કારણે અહીંની સ્થિરતા સામે ખતરો ઉભો થયો હતો જેથી લોકો અહીં મુશ્કેલીમાં મુકાયા હતા. અવસરવાદી ગઠબંધન અહીં સ્થિર સરકાર ઇચ્છતા ન હતા. પોતાના સ્વાર્થ અને ભ્રષ્ટાચાર માટે કોંગ્રેસ અને જેએમએમ દ્વારા મુખ્યમંત્રી પદની ખુરશી સુધીના સોદા પણ કરી દેવામાં આવ્યા હતા. ભાજપે અસ્થિરતાના દોરમાં બ્રેક મુકી છે અને પ્રથમ વખત ઝારખંડમાં પાંચ વર્ષ સુધી એક જ મુખ્યમંત્રી રહ્યા છે.

           આજ સ્થિરતાના કારણે નક્સલવાદ ઉપર પ્રભાવી કાર્યવાહી કરવામાં આવી છે. સાથે સાથે બિઝનેસ માટે સાનુકુળ માહોલ બની ગયો છે. મોદીએ આ ગાળા દરમિયાન કલમ ૩૭૦ અને રામ જન્મભૂમિના મુદ્દાને પણ જોરદારરીતે ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, સ્વતંત્રતા બાદથી દેશના દરેક વિસ્તારમાં જમ્મુ કાશ્મીર અને કલમ ૩૭૦ને લઇને ચર્ચાઓ ચાલી રહી હતી. બંધારણમાં ૩૭૦ને અસ્થાયી તરીકે  લખવામાં આવી હતી પરંતુ એક ટોળકી તેને સ્થાયી બનાવવાના કામમાં લાગેલી હતી. તેમણે કહ્યું હતું કે, દેશની જનતાએ મોદીને કઠોર નિર્ણય લેવા માટે મોકલ્યા છે જેથી દશકોથી લટકેલા કલમ ૩૭૦ સહિતના કઠોર નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. રામ જન્મભૂમિ વિવાદ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ કાવતરા ઘડીને રામજન્મ ભૂમિના મામલાને અટકાવી દીધો હતો. ત્યારબાદ લટકાવી દીધો હતો. પોતાની રાજનીતિ માટે તેનો ઉપયોગ કર્યો હતો.

          આજે આટલો મોટો મામલો શાંતિથી ઉકેલાઈ ચુક્યો છે. દરેક સમાજમાં તેનું સ્વાગત થયું છે. આનાથી ભાઈચારાની સ્થિતિ મજબૂત થઇ છે. ભગવાન રામની પણ આજ તાકાત રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૭૦ વર્ષથી ચાલી રહેલી કાયદાકીય લડાઇ, ૪૦ દિવસ સુધી સતત ચાલેલી મેરેથોન સુનાવણી બાદ આખરે ૯મી નવેમ્બરના દિવસે અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટે તેનો ઐતિહાસિક ચુકાદો આપી દીધો હતો. સુપ્રિમ કોર્ટે સંપૂર્ણ વિવાદાસ્પદ જમીન રામલલા વિરાજમાનને સોંપવાનો હુકમ કર્યો હતો. સાથે સાથે સુન્ની વક્ફ બોર્ડને અયોધ્યામાં જ કોઈ અન્ય જગ્યા પર પાંચ એકડ જમીન આપવાનો હુકમ કર્યો હતો. આ ચુકાદા પર ભારતભરમાં તમામ લોકોની બાજ નજર રહેલી હતી. રાજકીય રીતે ખુબ જ સંવદેનશીલ ગણાતા રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેંચે સર્વસંમંતિથી અથવા તો ૫-૦થી આ ઐતિહાસિક ચુકાદાઆપ્યો હતો.

(7:48 pm IST)