મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd December 2019

કોંગ્રેસ પક્ષને ૧૭૦ કરોડ રૂપિયાના મામલે ઇન્કમટેક્ષ વિભાગની નોટિસ

હૈદરાબાદની કંપનીએ ફંડને લઇને ફટકારી નોટિસઃ હવાલાની મદદથી ફંડ લેવાનો આરોપ

હૈદરાબાદ,તા.૩:હૈદરાબાદની ઈન્ફ્રાસ્ટ્રકચર કંપની સાથે સંકળાયેલા પૈસાના વ્યવહાર મામલે કોંગ્રેસ પક્ષને ઈનકમ ટેકસ વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. કંપની દ્વારા કરવામાં આવેલા દાવામાં કોંગ્રેસ પાર્ટી પૈસાના કાગળો રજૂ કરી શકી નથી. ઉલ્લેખનીય છે કે ૧૭૦ કરોડ રૂપિયાના કેસમાં આ નોટિસ આપવામાં આવી છે.

દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસને ઇન્કમટેકસ વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસ કોંગ્રેસ પાર્ટીને રાજકીય દાનને લઈને મોકલવામાં આવી છે. ૨ ડિસેમ્બરે મોકલાયેલી આ નોટિસમાં હૈદરાબાદ સ્થિત એક કંપની દ્વારા મોકલાયેલા નાણાંનો હિસાબ ન આપવાનું કારણ આપવામાં આવ્યું છે.

હૈદરાબાદની ઈન્ફ્રાસ્ટ્રકચર કંપનીની સાથે જોડાયેલા રૂપિયાની લેવડ દેવડના મામલે કોંગ્રેસ પાર્ટીને નોટિસ મોકલવામાં આવી છે. કંપની દ્વારા જે રૂપિયાનો દાવો કરવામાં આવ્યો છે તેની સાથે જોડાયેલા કાગળોને કોંગ્રેસ પાર્ટી રજૂ કરી શકી નથી. અગાઉ પણ ૪ નવેમ્બરે આ કેસમાં નોટિસ પાઠવવામાં આવી હતી. પરંતુ કોંગ્રેસની તરફથી ઈનકમ ટેકસ વિભાગની સામે કોઈ હાજર થયું ન હતું.

ઉલ્લેખનીય છે કે ઈનકમ ટેકસ વિભાગે છેલ્લા કેટલાક દિવસો પહેલાં હૈદરાબાદની એક ઈન્ફ્રાસ્ટ્રકચર કંપનીએ રેડ પાડી હતી. તેમાં જાણવા મળ્યું હતું તે કંપનીની તરફથી હવાલાની મદદથી કોંગ્રેસ પાર્ટીને ૧૭૦ કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા હતા. જેને લઈને ઈનકમ ટેકસ વિભાગે તપાસ શરૂ કરી હતી.

આ ફંડને સરકારી પ્રોજેકટના માટે અલગ રાખવામાં આવ્યું હતું અને તેનું બોગસ બિલિંગ તૈયાર કરવામાં આવ્યું હતું. તપાસમાં એ પણ જાણવા મળ્યું કે કંપનીની તરફથી જે પણ બોગસ બિલ તૈયાર કરવામાં આવ્યા હતા તે તેમના સરકારી પ્રોજેકટની સાથે જોડાયેલા હતા અને તેનો સીધો સંબંધ ઈકોનોમિક વીકર સેકશન સાથે હતો.

(3:33 pm IST)