મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd December 2019

સંજય રાઉતનો દાવો

પંકજા અમારા સંપર્કમાં

પંકજા મુંડે બીજેપી નહીં છોડેઃ ચંદ્રકાંત પાટીલ

મુંબઇ તા. ૩: પંકજા મુંડે મહારાષ્ટ્ર બીજેપીમાંથી છેડો ફાડી રહી હોવાની અટકળો વહેતી થતાં બીજેપીના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે મહત્વની સ્પષ્ટતા કરી છે. પંકજા મુંડેએ ટ્વિટર હેન્ડલ પર બાયોમાંથી પક્ષનું નામ કાઢી નાખ્યું હોવાથી તે બીજેપી છોડી રહી હોવાની અટકળો વાયુવેગે માધ્યમોમાં પ્રસરી હતી. આ મામલે પ્રદેશ બીજેપી પ્રમુખ ચંદ્રકાંત પાટીલે ગઇ કાલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે પંકજા મુંડે બીજેપીમાંથી કયાંય જઇ રહ્યાં નથી. પાટીલે પંકજા મુંડે બીજેપી છોડી રહ્યાં હોવાના અહેવાલને પણ પાયાવિહોણા ગણાવ્યા હતા.

પંકજા મુંડે બીજેપીના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીયપ્ રધાન ગોપીનાથ મુંડીની પુત્રી છે. ર૧ ઓકટોબરના મહારાષ્ટ્ર વિભાનસભા ચુંટણીમાં તેનો એનસીપીના ઉમેદવાર અને તેના પિતરાઇ ભાઇ ધનંજય મુંડે સામે પર્લી બેઠક પર પરાજય થયો હતો.

બીજી તરફ શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું છે કે પંકજા મુંડે તેમના સંપર્કમાં છે અને તેઓ ઉદ્ધવ ઠાકરે સાથે જોડાવવા માગે છે. આ મામલે પાટીલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે 'એકિસડેન્ટલ સરકાર આવા પાયાવિહોણા અહેવાલ વહેતા કરી રહી છે. તેમને ઠાકરે પરિવાર સાથે ઘનિષ્ઠ સંબંધો છે, પરંતુ એનો અર્થ એ નથી કે તેઓ શિવસેનામાં જોડાઇ જાય.'

(12:27 pm IST)