મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd December 2019

SC-ST ક્રિમી લેયરને અનામતમાંથી બાકાત રાખવાના નિર્ણયની ફેરવિચારણા કરવા સુપ્રીમ સહમત

સુપ્રીમ કોર્ટ એ અરજી મુદ્દે બે સપ્તાહ પછી સુનાવણી કરશે

નવી દિલ્‍હી, તા.૩: એસસી-એસટીના ક્રિમી લેયરને અનામતમાંથી બાકાત રાખવાનો નિર્ણય ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટના પાંચ ન્‍યાયધીશોની બનેલી બેંચે આપ્‍યો હતો. એ નિર્ણયની ફેરવિચારણા કરવા કેન્‍દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી છે. સુપ્રીમ કોર્ટ એ અરજી મુદ્દે બે સપ્તાહ પછી સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટમાં કેન્‍દ્ર સરકારે ૨૦૧૮ના ચુકાદાની ફેરવિચારવાની અરજી કરી હતી. ૨૦૧૮માં પાંચ ન્‍યાયધીશોની બેંચે કહ્યું હતું કે એસસી અને એસટીના ક્રિમી લેયરને કોલેજ અને સરકારી નોકરીમાં અનામતનો લાભ મળી શકે નહીં. ટૂંકમાં એસસી અને એસટીના સમૃદ્ધ લોકોએ નોન ક્રિમી લેયરનું સર્ટિફિકેટ આપવું પડે એવી સ્‍થિતિનો નિર્દેશ સુપ્રીમ કોર્ટે કર્યો હતો.

એ નિર્દેશમાં ફેરવિચારણા કરવા અંગે સુપ્રીમ કોર્ટમાં કેન્‍દ્ર સરકારે રજૂઆત કરી છે. કેન્‍દ્ર સરકારે અનામતની તરફેણમાં અરજી કરતા કહ્યું હતું કે આ ભાવનાત્‍મક મુદ્દો છે અને એમાં ક્રિમી લેયરને અનામતથી દૂર રાખવાના નિર્ણયની ફેરવિચારણા સાત ન્‍યાયધીશોની બેંચ કરે તે જરૂરી છે.

ક્રિમી લેયરને અનામતથી દૂર રાખવાનો નિર્ણય યોગ્‍ય નથી એવું કેન્‍દ્ર સરકારે સુપ્રીમને જણાવ્‍યું હતું.આ મુદ્દે જાહેરહિતની અરજી પણ થઈ હતી. એની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ મુદ્દે બે સપ્તાહ પછી સુનાવણી કરાશે.

સમતા આંદોલન સમિતિ અને પૂર્વ આઈએએસ અિધકારી ઓ.પી. શુક્‍લએ આ મુદ્દે નવેસરથી અરજી કરી હતી. નવી અરજીમાં એસસી-એસટીના ક્રિમી લેયરની ઓળખ માટે તર્કસંગત પ્રક્રિયા હાથ ધરવાની માગણી કરવામાં આવી છે. ક્રિમી લેયરને નોન ક્રિમી લેયરથી અલગ રાખવાનો નિર્દેશ આપવાની વિનંતી સુપ્રીમમાં થઈ હતી.

(11:47 am IST)