મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd December 2019

નાસાએ શોધી કાઢયો ચંદ્રયાન-૨ના વિક્રમ લેન્‍ડરનો કાટમાળ

નાસાએ તસ્‍વીર જારી કરીઃ કાટમાળનાં ૩ સૌથી મોટા ટુકડા ૨×૨ પિકસલનો છેઃ સપ્‍ટેમ્‍બરમાં દુર્ઘટનાગ્રસ્‍ત થયું હતું લેન્‍ડર : ક્રેશ સાઇટથી ૭૫૦ મીટર દુર મળ્‍યો કાટમાળઃ ક્રેશના સ્‍થળે જમીનને પણ નુકશાન થયાનું તસ્‍વીર જણાવે છે

નવી દિલ્‍હી, તા.૩: અમેરિકાની અંતરિક્ષ એજન્‍સી નેશનલ એરોનોટિક્‍સ એન્‍ડ સ્‍પેસ એડમિનિસ્‍ટ્રેશન (NASA)એ ચંદ્રયાન-૨ના વિક્રમ લેન્‍ડર વિશે મોટો ખુલાસો કર્યો છે. NASAએ ટ્‍વિટ કરીને જાણકારી આપી છે કે તેમના લૂનર રિકનેસેંસ ઓર્બિટરએ ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-૨ના વિક્રમ લેન્‍ડરને શોધી કાઢયું છે.

NASAના દાવા મુજબ, ચંદ્રયાન-૨ના વિક્રમ લેન્‍ડરનો કાટમાળ તેની ક્રેશ સાઇટથી ૭૫૦ મીટર દૂર મળ્‍યો. કાટમાળના ત્રણ મોટા ટુકડા ૨×૨ પિક્‍સેલના છે. NASAએ રાત્રે લગભગ ૧:૩૦ વાગ્‍યે વિક્રમ લેન્‍ડરની ઇમ્‍પેક્‍ટ સાઇટની તસવીર જાહેર કરી અને જણાવ્‍યું કે, તેમના ઓર્બિટરને વિક્રમ લેન્‍ડરના ત્રણ ટુકડા મળ્‍યા છે.

NASA મુજબ, વિક્રમ લેન્‍ડરની તસવીર એક કિલોમીટરના અંતરથી લેવામાં આવી છે. આ તસવીરમાં સોઇલ ઇમ્‍પેક્‍ટ પણ જોઈ શકાય છે. તસવીરમાં સ્‍પષ્ટ રીતે જોઈ શકાય છે કે ચંદ્રની સપાટી પર જયાં વિક્રમ લેન્‍ડર ક્રેશ થયું ત્‍યાં સોઇલ ડિસટર્બન્‍સ (જમીનને નુકસાન) પણ થયું છે.

નોંધનીય છે કે, ભારતીય અંતરિક્ષ એજન્‍સી ISROએ NASAનો સંપર્ક સાધ્‍યો છે અને વિક્રમ લેન્‍ડરની ઇમ્‍પેક્‍ટ સાઇટની જાણકારી માંગી છે. મળતી જાણકારી મુજબ, NASA ISROનાએક પૂરો રિપોર્ટ સોંપશે જેમાં વિક્રમ લેન્‍ડરથી સંબંધિત વધુ જાણકારી મળી શકશે.

આ પહેલા NASAએ વિક્રમ લેન્‍ડર વિશે માહિતી આપવાની આશા વ્‍યક્‍ત કરી હતી, કારણ કે તેનું લૂનર રિકનેસેંસ ઓર્બિટર તે સ્‍થાનની ઉપરથી પસાર થવાનું હતું, જે સ્‍થળે વિક્રમ લેન્‍ડર ક્રેશ થવાની શક્‍યતા વ્‍યક્‍ત કરવામાં આવી હતી.

NASAએ પહેલા કહ્યું હતું કે, તેમનું LRO ૧૭ સપ્‍ટેમ્‍બરે વિક્રમની લેન્‍ડિંગ સાઇટ પરથી પસાર થવાનું હતું અને તે વિસ્‍તારની હાઇ-રિઝોલ્‍યૂશન તસવીરો મેળવી હતી.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા NASAના LROની ટીમને લેન્‍ડરની સ્‍થિતિ કે તસવીર નહોતી મળી શકી. તે દરમિયાન નાસાએ કહ્યું હતું કે, જયારે લેન્‍ડિંગ વિસ્‍તારથી અમારું ઓર્બિટર પસાર થયું તો ત્‍યાં સાંજનો સમય હતો અને તેના કારણે પડછાયામાં મોટાભાગનો ભાગ છુપાઈ ગયો હતો. શક્‍ય છે કે વિક્રમ લેન્‍ડર પડછાયામાં છુપાઈ ગયું છે. LRO જયારે ઓક્‍ટોબરમાં ત્‍યાંથી પસાર થયું તો ત્‍યાં પ્રકાશ અનુકૂળ હશે અને ફરી એકવાર લેન્‍ડરની સ્‍થિતિ કે તસવીર લેવાનો પ્રયાસ કરવામાં આવશે.

(10:46 am IST)