મુખ્ય સમાચાર
News of Monday, 3rd December 2018

પેપર લીક : મહિલા, PSI, ભાજપના કાર્યકરો સહિત પાંચ નામ ખૂલ્યા

લાખો ઉમેદવારોના સપના ઉપર પાણી ફેરવી દેનારા આખરે ઝડપાયા : ગુન્હા દાખલ : મુખ્ય સૂત્રધાર યશપાલસિંહ સોલંકી હોવાનો ધડાકોઃ ગાંધીનગર પોલીસે આ મામલે ગાંધીનગરના પીએસઆઇ સહિત પાંચ લોકો વિરૂધ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરીઃ પોલીસે બનાસકાંઠાના એદ્રાણાના ભાજપના અગ્રણી મુકેશ ચૌધરી, વાવના મનહર પટેલ તેમજ અરવલ્લીના અરજણ પટેલની ધરપકડ કરી

અમદાવાદ તા. ૩ : પોલીસ લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થવાના ચકચારી બનાવમાં મહિલા તેમજ પીએસઆઇ સહિત પાંચ લોકો વિરૂદ્ઘમાં ફરિયાદ થઇ છે. પેપર લીક કરીને રાજયમાં ચકચાર મચાવી દેનાર આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર વડોદરાના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સેનેટરી વિભાગમાં કોન્ટ્રાકટર તરીકે કામ કરતો યશપાલસિંહ સોલંકી હોવાનો ઘસ્ફોટ થયો છે.

યશપાલ દિલ્હીથી આ પેપરની આન્સર કી લઈને આવ્યો હતો અને ઉમેદવારદીઠ પાંચ લાખ રૂપિયામાં વેચ્યું હતું. ગાંધીનગર પોલીસે આ મામલે ગાંધીનગરના પીએસઆઇ સહિત પાંચ લોકો વિરૂદ્ઘમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસે બનાસકાંઠાના એદ્રાણાના ભાજપના અગ્રણી મુકેશ ચૌધરી, વાવના મનહર પટેલ તેમજ અરવલ્લીના અરજણ પટેલની ધરપકડ કરી છે.

ગઇ કાલે ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત લોકરક્ષક કોન્સ્ટેબલની પરીક્ષાનું પેપર લીક થઈ જતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી. પરીક્ષા રદ્દ થતાંની સાથે ૯ લાખ જેટલા ઉમેદવારોની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. આ ચકચારી ઘટનાને લઇને ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.

પેપર લીક થવાના મામલે ગુજરાતની તમામ સુરક્ષા એજન્સીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. સીઆઇડીના એસપી વીરેન્દ્રસિંગ યાદવે સેકટર સાતમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ગાંધીનગરમાં આવેલી શ્રીરામ હોસ્ટેલની રેકટર અને પરીક્ષાની ઉમેદવાર રૂપલ શર્માએ ગાંધીનગરમાં પોલીસ રિક્રૂટમેન્ટ બોર્ડના વાયરલેસ પીએસઆઈ ભરત બોરાણાને પરીક્ષાનું પેપર જવાબ સાથે વોટ્સએપમાં મોકલી આપ્યું હતું.

ભરત બોરાણાએ ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયને પેપર ફોર્વડ હતું. વિકાસ સહાયે તપાસ કરતાં આ જવાબ સાચા હોવાનું બહાર આવ્યું હતું. ભરત બોરાણાને પેપર મોકલનાર રૂપલ શર્મા પોલીસે પૂછપરછ કરી હતી. રૂપલને પોલીસ સમક્ષ એવો ઘટસ્ફોટ કર્યો હતો અને પેપલ લીક થવાનો મામલો પૂર્વ આયોજિત કાવતરૃં છે.

રૂપલ શર્મા તેમજ ગાંધીનગર કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા વાયરલેસ પીએસઆઇ અને મુકેશ ચૌધરી ગાંધીનગરમાં મીટીંગ કરી હતી, જેમાં જયેશ નામની વ્યકિત પાસેથી પેપરના જવાલ લેવાના હતા, બાયડના મનહર પટેલના આદેશથી જયેશ પરીક્ષાની વહેલી સવારે પેપરના જવાબ આપવા માટે આવવાનો હતો.

રૂપલે પોલીસ સમક્ષ આપેલા નિવેદન બાદ મનહર પટેલની પણ અટકાયત કરી હતી અને તેની સધન પૂછપરછ કરી હતી, જેમાં તેણે કબૂલાત કરી હતી કે લુણાવાડાના રહેવાસી યશપાલસિંહ સોલંકી નામના યુવકે તેને આ જવાબો આપ્યા હતા. ઉમેદવારદીઠ પાંચ લાખ રૂપિયામાં આ પેપર આપવાનું તેને કહ્યું હતું. યશપાલ પેપરનો જવાબ લેવા માટે દિલ્હી ગયો હતો જયાં તે જવાબ લઇને વડોદરા પહોંચ્યો હતો, જયાં તે મનહર પટેલને મળ્યો હતો.

આ ઘટનામાં ૩ ઓરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને પાંચ પરીક્ષાર્થીઓની પણ અટકાયત કરવામાં આવી છે. મુખ્ય આરોપી યશપાલ સોલંકી મ્યુનિ. કોર્પોરેશનમાં કોન્ટ્રાકટ બેઝ પર કામ કરે છે અને તે સેનેટરી ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે તો રૂપલ શર્મા ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલની રેકટર છે અને તેણે અન્ય ઉમેદવારો માટે પેપરનો સોદો કર્યો હતો.

પીએસઆઈ પી.વી. પટેલ ગાંધીનગરમાં વાયરલેસ પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે, જેમણે તેમના ભાણેજને પેપર આપ્યા હતા તો મનહર પટેલ યશપાલસિંહ સોલંકી તરફથી પેપર વેચવામાં મદદ કરતો હતો. બનાસકાંઠાના એદ્રાણાનો મુકેશ ચૌધરી પોતે પરીક્ષાર્થી હતો. મુકેશ ચૌધરી નાંદોત્રા સીટ પરથી ભાજપમાંથી ચૂંટાયેલો તાલુકા સભ્ય છે, જોકે આ ઘટનામાં નામ આવ્યા બાદ મુકેશ ચૌધરીને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા હોવાનું બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખે કહ્યું છે.

યશપાલસિંહ સોલંકી દિલ્હીથી આવ્યા બાદ પેપરના જવાબ આપ્યા હતા, જે સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. પેપર લીક કરનાર તમામ વિરુદ્ઘમાં પોલીસે ગુનો દાખલ કર્યો છે, પરંતુ પેપર કેવી રીતે લીક થયું અને તેનો માસ્ટરમાઇન્ડ કોણ છે તે તપાસનો વિષય છે. પેપર લીક મામલે મોટાં માથાંની પણ સંડોવણી સામે આવે તેવી શકયતા છે.

પેપર લીક કૌભાંડનાં ચારેય આરોપીઓને ગાંધીનગર જિલ્લા પોલીસ સમક્ષ રજૂ કરાયા

પી.વી. પટેલ, રૂપલ શાહ, મુકેશ ચૌધરી અને મનહર પટેલને પોલીસ ડીટેઇન કરી પૂછપરછ હાથ ધરી છે. આ લખાય છે ત્યારે બપોરે ૧ર વાગ્યે પોલીસ અધિકારીઓ પત્રકારોને વિગત આપવાની તૈયારી કરી રહ્યા છે : ગાંધીનગર પોલીસની વિજળીક ઝડપ : રાતોરાત ચારેય આરોપીને ઝડપી લીધા. (અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર)

(3:04 pm IST)