મુખ્ય સમાચાર
News of Saturday, 3rd November 2018

પત્ની ઐશ્વર્યા રાયને તલાક આપવા તેજપ્રતાપ તૈયાર છે

કોર્ટમાં વિધિવત રીતે તલાક માટે અરજી દાખલ : સમાધાન માટેના બધા પ્રયાસો પણ શરૂ કરાયા : ઐશ્વર્યાના પિતા ચંદ્રિકા રાય લાલુના પરિવારને મળવા પહોંચી ગયા

પટણા,તા. ૩ : રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવે પોતાના પત્ની ઐશ્વર્યા રાય સાથે છૂટાછેડા લેવા માટે અરજી દાખલ કરી દીધઈ છે. શુક્રવારના દિવસે તેજ પ્રતાપે પટણાની સિવિલ કોર્ટમાં તલાક માટે અરજી દાખલ કરી હતી. હાલમાં આવું પગલું લેવા માટે કોઈ કારણ જાણી શકાયા નથી. તેજ પ્રતાપના વકીલે પણ તલાકની અરજી દાખલ કરવામાં આવી હોવાના અહેવાલને સમર્થન આપ્યું છે. સમાધાન માટે ઐશ્વર્યાના પિતા ચંદ્રિકારાય પણ લાલુ પ્રસાદના આવાસ ઉપર પહોંચી ચુક્યા છે. મળેલી માહિતી મુજબ કોર્ટમાં તલાકની અરજી દાખલ કરાયા બાદ તેજપ્રતાપ રાંચી માટે રવાના થયા હતા. લાલુ યાદવ હાલના દિવસોમાં રાંચીના રાજેન્દ્ર ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સના મેડિકલ સાઈન્સના પેઇંગ વોર્ડમાં છે. લાલુ યાદવ ચારા કૌભાંડમાં સજા ભોગવી રહ્યા છે. પોતાની અરજીમાં તેજપ્રતાપે કહ્યું છે કે તેઓ ઐશ્વર્યા સાથે પોતાના સંબંધોને જાળવી રાખવા માટે તૈયાર નથી. મીડિયાએ સંદર્ભમાં પ્રતિક્રિયા જાણવા પૂછ્યું ત્યારે કોઈ જવાબ આપ્યો ન હતો. તેજપ્રતાપના વકીલ યશવંત કુમારે કહ્યું છે કે તેઓ એકબીજાની સાથે રહેવાની સ્થિતિમાં નથી. તેજપ્રતાપ યાદવના તરફથી હિન્દુ મેરેજ એક્ટ હેઠળ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આનાથી વધુ સમય તેઓ આપી શકે તેવી સ્થિતિમાં નથી. ચંદ્રિકા રાયની પુત્રી ઐશ્વર્યા રાય અને લાલુ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપના લગ્ન આ વર્ષે ૧૨મી મેના દિવસે ધુમધામથી થયા હતા. આ લગ્નમાં સામેલ થવા માટે લાલુ યાદવ પેરોલ ઉપર જેલથી પટણા પહોંચ્યા હતા. લગ્નમાં તમામ મોટા નેતાઓ અને હસ્તીઓ પણ પહોંચી હતી. તમામ મોટા નેતાઓ દ્વારા આશિર્વાદ પણ આપવામાં આવ્યા હતા. ઐશ્વર્યા રાયના પિતા ચંદ્રિકા રાય પણ બિહાર સરકારમાં પ્રધાન રહી ચુક્યા છે. તેજપ્રતાપ યાદવ પણ ધારાસભ્ય છે. બિહારમાં નીતિશ કુમારની સાથે મહાગઠબંધનની સરકારમાં આરોગ્ય મંત્રી તરીકે હતા. લાલુ પ્રસાદના યાદવના બે પુત્રો છે. જેમાં તેજપ્રતાપ યાદવ મોટા અને તેજસ્વી યાદવ નાના પુત્ર છે. ઐશ્વર્યાના દાદા દરોગા રાય ૧૭મી ફેબ્રુઆરી ૧૯૭૦ લઈને ૨૨મી ડિસેમ્બર ૧૯૭૦ સુધી બિહારના મુખ્યમંત્રી રહ્યા હતા. પટણામાં થયેલા ખાસ વિવાહમાં ૫૦ અશ્વની સાથે હાથીઓની શાહી સવારી આદિવાસી નગાડા, આશરે સાત હજારથી વધારે મહેમાનો સામેલ થયા હતા. આ લગ્ન ખૂબ ખાસ રહ્યા હતા. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર પણ સામેલ થયા હતા. લાલુ યાદવને પોતાના પુત્રના લગ્નમાં સામેલ થવા ત્રણ દિવસ માટે પેરોલ મળ્યા હતા. જોકે ત્યાર પછી છ સપ્તાહ માટે વચગાળાના જામીન પણ મળ્યા હતા. તેજ પ્રતાપના સસરા ચંદ્રિકા રાય આ મામલામાં સમાધાન માટે પટણામાં લાલુના આવાસે પહોંચી ચુક્યા છે. પરિવારના સભ્યો વચ્ચે વાતચીત થઈ રહી છે.

તેજ પ્રતાપ યાદવના પત્ની ઐશ્વર્યા રાય કોણ છે.......

         પટણા,તા. ૩ : લાલુ યાદવ અને રાબડી દેવીને લાંબા સમયથી ઘરમાં તમામની સાથે વ્યવસ્થિત રીતે રહી શકે અને પરિવારને સાચવી શકે તે પ્રકારની પુત્રવધુની જરૂર હતી અને તેમની જરૂર બિહારના પૂર્વ પ્રધાન દરોગા પ્રસાદ રાયની પૌત્રી ઐશ્વર્યા રાયની ઉપર આવીને ખતમ થઈ હતી. ઐશ્વર્યાએ એમેટી યુનિવર્સિટીમાંથી એમબીએમાં શિક્ષણ મેળવ્યું હતું. ઐશ્વર્યાના પિતા આરજેડી નેતા ચંદ્રિકા રાય નીતિશ કુમારની સરકારમાં પરિવહન પ્રધાન તરીકે રહી ચુક્યા છે. ઐશ્વર્યા રાય છપરાની નિવાસી છે. પટણાના નાટ્રુડમ સ્કુલમાં અભ્યાસ કરી ચુકી છે. દિલ્હીમાં મિરાંડા હાઉસથી ગ્રેજ્યુએશન કરનાર ઐશ્વર્યા ત્રણ ભાઈ બહેનોમાં સૌથી મોટી છે.

(8:11 pm IST)