મુખ્ય સમાચાર
News of Monday, 3rd October 2022

૧૧ લાખની કારનું સર્વિસ બિલ આવ્‍યું ૨૨ લાખ

ઘાટ કરતા ઘડામણ મોંઘુ

બેંગલુરૂ,તા. ૩ :  કર્ણાટકના બેંગલુરુથી એક અત્‍યંત હેરાન કરનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. જયાં એક શખ્‍સે પોતાની કારને રિપેરિંગ માટે સર્વિસ સેન્‍ટરમાં આપી હતી. જે બાદ જે થયું તેના વિશે તેણે ક્‍યારેય વિચાર્યું પણ નહીં હોય, કાર કંપનીને પણ આ વાતનો અંદાજ નહીં હોય કે આવું થશે. કારના રિપેરિંગનું બિલ કારની અસલી કિંમત કરતા ડબલ થઈ ગયું. ત્‍યાર બાદ તો હડકંપ મચી ગયો.

હકીકતમાં જોઈએ તો, આ ઘટના બેંગલુરુની છે. આ શખ્‍સનું નામ અનિરુદ્ધ ગણેશ છે. તેણે પોતાની ૧૧ લાખની કિંમતની કારને રિપેર કરવા માટે સર્વિસ સેન્‍ટરમાં મોકલી હતી. રિપેરિંગ સેન્‍ટરે તેને ૨૨ લાખ રૂપિયાનું બિલ પકડાવી દીધું. અનિરુદ્ધ ગણેશ અમેઝોનમાં પ્રોજેક્‍ટ મેનેજર તરીકે કામ કરે છે. તેની ફોક્‍સવૈગન કારમાં થોડી ખામી સર્જાતા તેણે સર્વિસ માટે ગાડી મુકી હતી.

મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર આ બધું ત્‍યારે થયું જયારે હાલમાં જ બેંગલુરુમાં મૂશળધાર વરસાદ થયો હતો. ત્‍યાર બાદ અનિરુદ્ધ ગણેશની ફોક્‍સવૈગન કારને ઘણું નુકસાન થયું હતું. ત્‍યારે આવા સમયે તેને રિપેયરિંગ માટે પોતાની કારને વ્‍હાઈટફીલ્‍ડ વિસ્‍તારમાં આવેલા ફોક્‍સવૈગનના સર્વિસ સેન્‍ટરમાં મોકલી. બાદમાં આ સર્વિસ સેન્‍ટર તરફથી તેને લાંબુ એવું બિલ પકડાવી દેવામાં આવ્‍યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ કારની કિંમત લગભગ ૧૧ લાખ રૂપિયા છે, પણ રિપેરિંગ સેન્‍ટરમાંથી ૨૨ લાખનું બિલ મોકલવામાં આવ્‍યું, જયારે તેનો વિરોધ કર્યો તો, સર્વિસ સેન્‍ટરે ડેમેજ કાર માટે દસ્‍તાવેજ તૈયાર કરીને અવેજમાં તેમને ૪૪,૮૪૦ રૂપિયાની માગ કરી હતી. તેનાથી અનિરુદ્ધ ગણેશ ચોંકી ઉઠ્‍યો હતો. ત્‍યાર બાદ તેણે વીમા કંપનીનો પણ સંપર્ક કર્યો હતો.

તેમણે ફોક્‍સવૈગનના મેનેજમેંટને ફરીથી ઈમેલ કરીને પોતાની સમસ્‍યાની જાણ કરી. ત્‍યાર બાદ કંપનીને લાગ્‍યું કે, મામલો બગડી રહ્યો છે તો, પછી ખાલી પાંચ હજાર રૂપિયામાં બધું સેટલ કર્યું. હાલમાં તેણે પોતાની સ્‍ટોરી સોશિયલ મીડિયા પર શેર કરી છે. હવે લોકો પણ કંપની પર ભડકી રહ્યા છે.

(10:47 am IST)